PM પાસે ઉદઘાટનનો સમય નહોય તો જૂનમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ ખુલ્લો મુકી દો: SC

0
2615

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે દેશના VVIP કલ્ચરને લાલ આંખ દેખાડતો મહત્વનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્માણ થઈને ઉદઘાટનની રાહ જોઈ રહેલા ગાઝિયાબાદને હરિયાણાના પલવલ સાથે જોડતા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ હાઈવેને તેના અગાઉ નિર્ધારિત સમય પર ખોલવા નિર્દેશ આપ્યો છે.આપને જણાવી દઈએ કે, આ હાઈવેનું નિર્માણ કાર્ય પુરું થઈ ગયું છે અને વડાપ્રધાનની વ્યસ્તતાના કારણે ઉદઘાટન થઈ શક્યું નથી. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને (NHAI) આદેશ આપ્યો છે કે, વડાપ્રધાન દ્વારા ઉદઘાટન થવાની રાહ જોવાની જરુર નથી. આ વર્ષના જૂન મહિના સુધીમાં હાઈવેને ખુલ્લો મુકવામાં આવે.

મહત્વનું છે કે, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુકાયા બાદ દિલ્હી પર ટ્રાફિકનો બોજ ઘણી હદ સુધી ઓછો થઈ જશે. દિલ્હી થઈને હરિયાણા જતી ગાડીઓ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ હાઈવે થઈને દિલ્હીની બહારથી જ નીકળી જશે. જેથી દિલ્હીની ટ્રાફિક સમસ્યા ઓછી થશે. ઈસ્ટર્ન પેરિફેરલ ખુલ્લો મુકાયા બાદ પલવલથી કુંડલી સુધીની મુસાફરીનો સમય અડધાથી પણ ઓછો થઈ જશે.

આ સંદર્ભમાં અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ‘જો વડાપ્રધાનના વ્યસ્ત કાર્યક્રમને કારણે પરિયોજનાનું ઉદઘાટન કરવાનો સમય નહોય અને જો 31 મે સુધીમાં ઉદઘાટન નથાય તો, જૂન મહિનાથી આ હાઈવેને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવે’. આપને જણાવી દઈએ કે, હાલમાં કર્ણાટક ચૂંટણીને કારણે પીએમ મોદીનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત ચાલી રહ્યો છે.