મુંબઈઃ ચાર દેશોના સમૂહ ‘I2U2’ દ્વારા ઘડવામાં આવેલા માળખાને અંતર્ગત યૂનાઈટેડ આરબ અમિરાત ભારતભરમાં શ્રેણીબદ્ધ ફૂડ પાર્ક્સ વિક્સાવવા માટે બે અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. ભારતે કહ્યું છે કે ફૂડ પાર્ક્સ સંબંધિત પ્રોજેક્ટ માટે સરકાર ઉચિત જમીન પૂરી પાડશે.
‘I2U2’ સમૂહમાં યૂએઈ, ભારત, અમેરિકા અને ઈઝરાયલ છે. ‘I2U2’ માં ‘I’ ઈન્ડિયા, ઈઝરાયલ માટે છે જ્યારે ‘U’ યૂએસ અને યૂએઈ માટે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી પ્રમુખ જૉ બાઈડન, યૂએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયન અને ઈઝરાયલી વડા પ્રધાન યાઈર લાપિડે આજે ગ્રુપની પહેલું વર્ચ્યુઅલ શિખર સંમેલન યોજ્યું હતું. એમાં ઝાયેદ અલ નાહયને ઉપર મુજબની જાહેરાત કરી હતી.