બુુલેટ ટ્રેન પ્રોજેક્ટને મહારાષ્ટ્ર-સરકારે આપી તમામ મંજૂરીઓ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું કે, મુંબઈ-અમદાવાદ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પરિપૂર્ણ થાય એ માટે રાજ્ય સરકારે તમામ મંજૂરીઓ આપી દીધી છે. રાજ્ય પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતાં ફડણવીસે કહ્યું કે, પ્રોજેક્ટ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તમામ મંજૂરીઓ આપી દીધી છે. આ અનિર્ણિત પ્રશ્નો જંગલ વિસ્તારને લગતી મંજૂરીઓ તથા જમીન પ્રાપ્તિ સંબંંધિત હતા.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. 1,10,000 કરોડ છે. એમાંના રૂ. 88,000 કરોડનું ભંડોળ જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી તરફથી મળશે. પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના ભાગમાં, થાણે અને પાલઘર જિલ્લાઓમાં 70 ટકા જમીન પ્રાપ્ત કરી લેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તે વખતના વડા પ્રધાન શિન્ઝો આબેએ 2017ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં બુલેટ ટ્રેન યોજનાનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. આ યોજના પૂરી થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચે 500 કિ.મી.થી અધિકની સફર આશરે કલાકમાં પૂરી કરી શકાશે.