દુર્લભ ઘટનાઃ તેલંગાણામાં આકાશથી માછલીઓનો વરસાદ

હૈદરાબાદઃ તેલંગાણાના જગતિયલ વિસ્તારમાં વરસાદમાં આકાશથી માછલીઓનો પણ વરસાદ થયો છે. રસ્તા, ઘરો, છત અને ગલીઓમાં આકાશમાંથી માછલીઓ પડી છે. માછલીનો વરસાદનો વિડિયો સોશિયલ મિડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. લોકોએ કેટલીય માછલીઓને જીવતી બચાવી લીધી હતી. જોકે કેટલીય માછલીઓ મરી ગઈ હતી. આકાશથી જીવોનું પડવું એ એક બહુ દુર્લભ કુદરતી ઘટના છે. તેલંગાણામાં આ પ્રકારની ઘટના સંભવતઃ પહેલી વાર નોંધવામાં આવી છે.  

જગતિયલ વિસ્તારના સાંઈનગર વિસ્તારના લોકો આ ઘટના જોઈને દંગ રહી ગયા હતા. આ ઘટના ત્યારે થાય છે, જ્યારે નાના જળચર જીવો – જેવાં કે દેડકાં, કેકડા અને માછલીઓ વોટર સ્પાઉડ્સમાં ફસાઈને આકાશ તરફ જતી રહે છે, પછી એ પૂરું થતાં જમીન પર નીચે પડે છે. વોટર સ્પાઉટ્સ ત્યારે બને છે, જ્યારે હવા પાણીની ટોર્નેડો બનાવે છે. સામાન્ય રીતે એને જળનું વંટોળ કહેવામાં આવે છે.

આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સારોએવો વરસાદ વરસી રહ્યો છે. મોટા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની છે. જીવોનું આકાશથી પડવું એ એ દુર્લભ કુદરતી ઘટના છે. જે બહુ રેર સ્થિતિ બનવાની સંભાવના છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે જો ભારે વરસાદથી જળ વંટોળ બને છે તો એમાં ફસાઈને નાની માછલીઓ અને દેડકાં આકાશમાં જતા રહે છે. વંટોળ જેવું ધીમું પડે છે, એમ આ જીવો નીચે પડવા લાગે છે.

ગયા વર્ષે અમેરિકાના ટેક્સાસના ટેક્સારકાના શહેરમાં પણ આવી ઘટના બની હતી. અહીં પણ માછલીનો વરસાદ થયો હતો. જેને સોશિયલ મિડિયા પર ઘણું કવરેજ મળ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]