ગઈકાલે 12 એપ્રિલ 2025ને શનિવારના રોજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુંબઈ-મહારાષ્ટ્રની મુલાકાતે હતા. અમિતભાઈની આ મુલાકાતમાં એક કાર્યક્રમ ગઈકાલે મુંબઈના ગુજરાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એ કાર્યક્રમ એટલે ‘ચિત્રલેખા’ના 75 વર્ષની ઉજવણી અને 75માં વાર્ષિક અંકનુ વિમોચન.
મુંબઈમાં વિલે પાર્લે પશ્ચિમ વિસ્તારમાં મુકેશ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુંબઈના પ્રતિષ્ઠિત ગુજરાતીઓની ઉપસ્થિતિમાં ચિત્રલેખાના 75માં વાર્ષિક અંકનું વિમોચન કરતી વખતે અમિતભાઈએ કહ્યું કે, ‘હું આજે અહીં દેશના ગૃહમંત્રી તરીકે નહીં, પરંતુ ચિત્રલેખાના એક વાચક તરીકે આવ્યો છું.’ આમ કહીને અમિતભાઈએ ચિત્રલેખાના 75 વર્ષની ગૌરવપૂર્ણ સફરને અને ચિત્રલેખાએ ગુજરાતી પત્રકારત્વ ઉપરાંત સમાજમાં આપેલા યોગદાનને મોકળા મને બિરદાવ્યું હતું.
સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો અને ઓડિયન્સમાં બેઠેલા પ્રતિષ્ઠિત ગુજરાતીઓની ઉપસ્થિતિ વચ્ચે જ્યારે ગૃહમંત્રી અમિતભાઈએ ચિત્રલેખાના 75માં વાર્ષિક અંકનુ વિમોચન કર્યું, ત્યારે આ ઐતિહાસિક ક્ષણને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ખૂબ વિશેષ અને નવીનતમ રીતે કરાયેલા વિમોચનમાં સ્ટેજની પાછળ લગાડાયેલા એલઇડી સ્ક્રીન પર ચિત્રલેખાના 75 કવરપેજથી 75ના અંકનું ફોર્મેશન કરાયું એ ક્ષણ જાણે ગુજરાતી પત્રકારત્વની ગૌરવવંતી ક્ષણ બની હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણ તેમજ જાણીતા ગુજરાતી કલાકાર સરિતા જોશી ઉપસ્થિત રહ્યા હતા. ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક અને વાઇસ-ચેરમેન મનન કોટક પણ આ મહાનુભાવોની સાથે સ્ટેજ પર ઉપસ્થિત હતા.
કાર્યક્રમમાં બોલતાં અમિતભાઈએ કહ્યું કે, ‘મારા ત્રણ ઘર બદલાયા પરંતુ આ ત્રણેય ઘરમાં જો એક વસ્તુ નથી બદલાઈ તો એ છે ચિત્રલેખા. આજે પણ મારા ઘરે ચિત્રલેખા આવે છે અને હું નિયમિત વાંચું છું. મેગેઝિન સમાજ પર ઘણી રીતે અસર કરે છે. અંગ્રેજી બોલતા આ યુગમાં સાહિત્યિક યાત્રા ચાલુ રાખવા અને ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા માટે, 1950માં વજુ કોટક દ્વારા સ્થાપના કરવામાં આવી હતી એના કરતાં આજે ચિત્રલેખાની જરૂરિયાત વધુ છે. વાચકોને સામયિક સાથે આટલો લાંબો સમય જોડી રાખવા એ ભાગ્યે જ શક્ય છે. આ ત્યારે જ થાય છે જ્યારે નફાનો કોઈ વિચાર ન હોય, જ્યારે હેતુની શુદ્ધતા હોય, સાહિત્ય પ્રત્યે સમર્પણ હોય અને સમાજની સમસ્યાઓનું નિરાકરણ કરવાની ઇચ્છા હોય. આ બધું ચિત્રલેખામાં છે. એના અસ્તિત્વના 75 વર્ષોમાં ચિત્રલેખાએ ગુજરાતના સાહિત્ય, સામાજિક જીવન અને સમસ્યાઓ તેમજ દેશ અને સમાજની સમસ્યાઓને પ્રતિબિંબિત કરી છે. સમાજની બધી સમસ્યાઓનું નિર્ભયતાથી ચિત્રણ કરવું અને માત્ર પ્રશ્નો ઉઠાવવા જ નહીં, પણ ઉકેલો માટે સૂચનો પણ આપવા એ પણ મહત્વનું છે.’
આ સંદર્ભમાં એક ઉદાહરણ આપતા અમિતભાઈએ કહ્યું કે, ‘મને સારી રીતે યાદ છે કે ગુજરાતમાં અનામત આંદોલન દરમિયાન જ્યારે સમાજ અશાંતિમાં હતો. ત્યારે ચિત્રલેખાએ સમાજને એક રાખવાની મશાલ પકડી હતી. સમાજના સમર્થન વિના સાહિત્ય ક્યારેય પ્રગતિ કરી શકતું નથી. ગુજરાતના લોકો, લાખો વાચકોની જવાબદારી છે કે તેઓ ગુજરાતી સામયિકોને જીવંત રાખે.’
વધુમાં એમણે ઉર્મેર્યુ કે, ‘મેં ઘણા ફેરફારો જોયા છે પરંતુ એક પાસું જે સતત રહ્યું તે ચિત્રલેખાની વિશ્વસનીયતા છે.’ એમણે બુદ્ધિ પ્રકાશ, સત્ય વિહાર અને નવજીવન જેવા સામયિકોના ઉદાહરણ આપતા કહ્યું કે ગુજરાતી સામયિકોએ રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી છે.
ચિત્રલેખાના કટારલેખક, હાસ્યકાર, લેખક અને નાટ્યકાર તારક મહેતાની પ્રશંસા કરતા અમિતભાઈએ કહ્યું કે, ‘સૌથી નીરસમાં નીરસ વ્યક્તિ પણ તેમને મળ્યા પછી હસીને જ બહાર નીકળે. તારકભાઈ ફક્ત ચાર પાનામાં બધા ગુજરાતીઓને એમના દુઃખ ભૂલાવી દેતા. એમણે લોકોને હસાવ્યા.’ ચિત્રલેખાના ત્રણ કટાર લેખકો નગીનદાસ સંઘવી ગુણવંત શાહ અને તારક મહેતાને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે એ ઘટનાનો પણ એમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
ચિત્રલેખાની મરાઠી આવૃત્તિ ફરી શરૂ કરો: દેવેન્દ્ર ફડણવીસ
આ અવસરે ઉપસ્થિત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચિત્રલેખાને વધામણી આપતાં કહ્યું કે ‘ચિત્રલેખા મેગેઝીને 75 વર્ષ પૂર્ણ કર્યા છે તે નિમિત્તે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા 75 વર્ષથી ચિત્રલેખા મેગેઝીન ગુજરાતીઓના મન પર રાજ કરી રહ્યું છે ત્યારે હું એક વાત એ પણ કહીશ કે ચિત્રલેખાએ 30 કરતાં વધુ વર્ષો સુધી મરાઠી લોકોના મન પર પણ રાજ કર્યું છે. હું પણ ચિત્રલેખાનો વાચક રહ્યો છું ત્યારે આજના પ્રસંગે હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે ચિત્રલેખાની મરાઠી આવૃત્તિ ફરી શરૂ કરે અને વેબઆવૃત્તિ તો ચોક્કસથી શરૂ કરે .
પાનાં ખોલીને વાંચવાની અને જોવાની મજા આવે: સરિતા જોશી
જાણીતા ગુજરાતી અભિનેત્રી સરિતા જોશીએ આ અવસરે કહ્યું કે, ‘ચિત્રલેખા એક એવું મેગેઝીન છે, જેના પાના ખોલીને વાંચવાની અને જોવાની મજા આવે. મારા જીવનની શરૂઆતમાં મધુરીબેન કોટકે મારો ઈન્ટરવ્યૂ કર્યો હતો. હું જ્યારે નવી નવી કલાકાર બની ત્યારે જી મેગેઝીનમાં મારો અને સંજીવનો ફોટો આવ્યો હતો. એ જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. આટલા વર્ષોથી હું ચિત્રલેખા પરિવાર સાથે જોડાયેલી છું. આજે ચિત્રલેખાએ 75 વર્ષ પૂર્ણ કર્યા છે એ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.’
સપનાં, સંસ્કૃતિ અને હકીકતોનો એક અદભુત ઐતિહાસિક દસ્તાવેજ: આશિષ ચૌહાણ
આ અવસરે NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ ચૌહાણે કહ્યું કે, ‘ચિત્રલેખાની 75 વર્ષની યાત્રા એ માત્ર એક મેગેઝીનની યાત્રા નથી, પરંતુ ગુજરાતીઓના સપનાં, સંસ્કૃતિ અને હકીકતોનો એક અદભુત ઐતિહાસિક દસ્તાવેજ છે. આજે હું તમારી સમક્ષ એક વાચક તરીકે આવ્યો છું. આજે હું આ સંસ્થા પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ચિત્રલેખા એ માત્ર એક મેગેઝીન નથી, પરંતુ દરેક ગુજરાતીઓના ઘરનું એક અભિન્ન અંગ છે. ગુજરાતના દરેક ગામડાંથી લઈને વિદેશમાં વસતા ગુજરાતીઓના ઘર સુધી આજે ચિત્રલેખા પહોંચી ગયું છે અને તેમના જીવનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ચિત્રલેખાએ કાયમ પોઝિટિવ જર્નાલિઝમ કર્યું છે. ચિત્રલેખા ભવિષ્યમાં પણ ગુજરાતી પેઢીઓ માટે દીવો બની રહે, તેમને પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે અને ગુજરાતીઓના હૃદયમાં વસતું રહે તેવી હું શુભેચ્છા પાઠવું છું.’
અમારા માટે ખૂબ જ ગૌરવની વાત: મૌલિક કોટક
આ પ્રસંગે મહેમાનોને આવકારતાં ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટકે કહ્યું કે, મારા પિતા વજુભાઈ કોટકે 22 એપ્રિલ 1950થી ચિત્રલેખાનો શુભારંભ કર્યો હતો, જે માટે એમની એક ધારાવાહિક જુવાન હૈયા નવલકથા નિમિત બની હતી. 10101 કોપીથી ચિત્રલેખા સાપ્તાહિકની શરૂઆત કરી હતી. આગળ જતા એનું સર્ક્યુલેશન ત્રણ લાખ ક્રોસ કરી ગયું હતું.જે એ સમયના કોઈપણ ભાષાના મેગેઝીન કરતાં સૌથી વધારે હતું. મારા પિતાના અકાળ મૃત્યુના કારણે ચિત્રલેખાની હયાતી પર પ્રશ્નાર્થ ઉભો થયો હતો. એ સમયે મારી માતાને ઘણા હિતેચ્છુએ કહ્યું કે તમારે ચિત્રલેખા બંધ કરી દેવું જોઈએ. જો કે મધુરીબહેને હરકિસનભાઈ મહેતાની મદદથી ચિત્રલેખા ચાલુ રાખ્યું. અનેક મિત્રોએ એમને મદદ કરી અને ચિત્રલેખાને એ એક નવી ઊંચાઈ પર લઈ ગયા. આજે ચિત્રલેખાએ 75 વર્ષ પૂર્ણ કર્યા છે તે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.
75 વર્ષની ગૌરવશાળી સફરનું વિડીયો નિદર્શન
કાર્યક્રમની શરૂઆતમાં ચિત્રલેખાના વાઇસ ચેરમેન મનન કોટકે બે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા ચિત્રલેખાની 75 વર્ષની સફરની ઝાંખી કરાવી હતી, જેમાં ચિત્રલેખાએ હાંસલ કરેલી સિદ્ધિઓ અને માઈલસ્ટોન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બીજો વિડીયો સમગ્ર ઓડિયન્સ માટે પણ નવીનતા પૂર્ણ રહ્યો. વજુભાઈ અને મધુરીબહેનની એ સમયની કેટલીક બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરોને ટેકનોલોજીની મદદથી વીડિયોમાં જીવંત કરવામાં આવી હતી. સમારંભમાં ઉપસ્થિત લોકો વજુભાઈ અને મધુરીબહેનની આ તસવીરોને આટલા વર્ષો પછી આ રીતે નિહાળીને અચંબિત બની ગયા હતા.
મનન કોટકે આ પ્રસંગે ચિત્રલેખાની સફરમાં સાથ આપનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો. તો કાર્યક્રમમાં ચિત્રલેખાના તંત્રી હીરેન મહેતાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વિશેષ પરિચયમાં કેટલીક બાબતો મરાઠી ભાષામાં વ્યક્ત કરીને ચિત્રલેખા એ ગુજરાત અને મહારાષ્ટ્રના સુમધુર સંબંધોનું પ્રતીક છે એ વાત પ્રસ્થાપિત કરી હતી.
કાર્યક્રમનું સંચાલન મુંબઈના જાણીતા કવિ મુકેશ જોશીએ કર્યુ હતું.
ચિત્રલેખાના 75 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના કોર્પોરેટ ઓફિસ વિભાગના વડા પરિમલ નથવાણી, મહારાષ્ટ્રન સરકારના મંત્રી આશિષ સેલાર, ટુરિઝમ અને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રી મંગલ પ્રભાત લોઢા, MLA સંજય ઉપાધ્યાય, યોગેશ સાગર, અમિત સારસ, પરાગ અલવાણી, ઉદ્યોગ જગતના જિગ્નેશ શાહ, શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના ચેરમેન અમરિશ પટેલ, બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના હેમરાજ શાહ સહિત મુંબઈના ગુજરાતી સમાજના અનેક અગ્રગણ્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતા. મનોરંજન જગતના જાણીતા કલાકારો સિંગર પાર્થિવ ગોહિલ, અરવિંદ વૈદ, અભિનેત્રી અલ્પના બુચ, ટિકુ તલસાણિયા, મેહુલ બુચ, હરિશ ભીમાણી, નાટ્યલેખક પ્રવીણ સોલંકી, ફિરોજ ઈરાની, એનિમલ ફિલ્મ ફેમ સિદ્ધાંત કર્ણિક, લાલુભાઈ મહેતા અને રૂપા મહેતા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)
