હૈદરાબાદઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન (AIMIM) પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો છે કે તેઓ લોકસભાની ચૂંટણી કેરળના વાયનાડને બદલે તેલંગણાના હૈદરાબાદમાંથી લડી બતાવે.
ઓવૈસી હૈદરાબાદમાંથી AIMIM પાર્ટીના સંસદસભ્ય છે. એમણે ગઈ કાલે એમના આ મતવિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલને પડકાર ફેંક્યો હતો. એમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદને કોંગ્રેસના રાજ વખતે તોડી પાડવામાં આવી હતી. હું તમારા નેતા (રાહુલ ગાંધીને) ચેલેન્જ ફેંકું છું કે તેઓ હૈદરાબાદમાંથી ચૂંટણી લડી બતાવે, વાયનાડમાંથી નહીં. તમે મોટા મોટા નિવેદનો કરો છે, મેદાનમાં આવો અને મારી સામે લડી બતાવો. કોંગ્રેસના લોકો ઘણું બોલે છે, પણ હું તૈયાર છું… બાબરી મસ્જિદ અને સચિવાલયની મસ્જિદને કોંગ્રેસના શાસન વખતે તોડી પાડવામાં આવી હતી.
તેલંગણામાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. આ રાજ્યમાં કોંગ્રેસ અને AIMIM એકબીજાની કટ્ટર હરીફ પાર્ટીઓ છે. રાહુલ ગાંધીએ હાલમાં જ એમ કહ્યું હતું કે, તેલંગણામાં, કોંગ્રેસનો મુકાબલો બીઆરએસ, બીજેપી અને AIMIM – એમ ત્રણેય સામે છે. એ લોકો પોતાને અલગ અલગ પાર્ટી તરીકે ઓળખાવે છે, પણ વાસ્તવમાં તેઓ સંગઠિત છે.