હરિદ્વારમાં ભીષણ આગમાં બાબા રામદેવનું મેડિકલ સેન્ટર ખાખ

હરિદ્વારઃ યોગગુરુ બાબા રામદેવના અત્રેના નિસર્ગોપચાર કેન્દ્રમાં ગઈ કાલે ભીષણ આગ લાગતાં કેન્દ્રનો નાશ થઈ ગયો છે.

બાજુના જંગલમાં લાગેલી આગનો એક ઉડતો તણખો પડવાને કારણે અત્યાધુનિક નેચરલ હેલ્થ સેન્ટરમાં ભીષણ આગ લાગી હોવાનું મનાય છે.

આ સેન્ટર યોગ ગ્રામ આશ્રમમાં રૂ. 70 કરોડના ખર્ચે 2009માં બનાવવામાં આવ્યું હતું.

બાબા રામદેવના પ્રવક્તા એસ. તિજારાવાલાએ કહ્યું કે આગને કારણે ઘણું નુકસાન થયું છે.

રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ આગની જાણકારી ટ્વિટર પર આપી છે અને આગની જ્વાળાઓવાળો વિડિયો પણ શેર કર્યો છે.

બનાવ નજરે જોનારાઓએ કહ્યું કે જંગલમાં લાગેલી આગને કારણે સેન્ટરમાં આગ લાગી હોવાની શક્યતાને નકારી શકાય નહીં, કારણ કે જંગલ વિસ્તાર અને યોગ ગ્રામ વચ્ચે બહુ અંતર નથી.