કોરોનાનો ફેલાવો રોકવા પંજાબ રાજ્યમાં કર્ફ્યૂ લાગુ

ચંડીગઢઃ કોરોના વાઈરસ, જેને COVID-19 નામ આપવામાં આવ્યું છે, એના પોઝિટીવ કેસો પંજાબ રાજ્યમાં વધવાનું ચાલુ રહેતાં અને આ રોગનો ફેલાવો રોકવા માટે પંજાબ સરકારે સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ લાગુ કરી દીધો છે.

હાલ પંજાબમાં કોરોનાનાં 21 કન્ફર્મ્ડ કેસો છે. એક વ્યક્તિનું આ રોગને કારણે મૃત્યુ થયું છે.

રાજ્યના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી, પરંતુ રવિવારે જનતા કર્ફ્યૂ બાદ લોકો મોટી સંખ્યામાં એમના ઘરની બહાર પડતાં અને લોકડાઉનના નિયમોનું પાલન ન કરતાં સરકારે કર્ફ્યૂ લાગુ કરી દીધો છે.

આજે પંજાબમાં 21 વર્ષીય એક યુવક કોરોના વાઈરસથી પીડિત હોવાનું માલૂમ પડતાં ચંડીગઢમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 7 પર પહોંચી છે. દર્દી ચંડીગઢનો જ રહેવાસી છે અને જેને કોરોના થયો હતો એ બીજી વ્યક્તિ સાથે સંપર્કમાં આવતા એને પણ કોરોના થયો છે.

અમરિન્દર સિંહે કહ્યું કે રાજ્યમાં લોકડાઉનના નિયમોનું લોકોએ ઉલ્લંઘન કરતાં સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડા સાથે બેઠક કરીને મુખ્ય પ્રધાને આ નિર્ણય લીધો હતો. કર્ફ્યૂ સંપૂર્ણ પ્રકારનો રહેશે અને એમાં કોઈ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે. માત્ર આવશ્યક સેવાઓને જ બાકાત રાખવામાં આવી છે.