નવી દિલ્હીઃ લોકસભામાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરના જાતિવાળા નિવેદન પર હંગામો જારી છે. ઠાકુરની ટિપ્પણી પર વિવાદ શાંત થવાને બદલે સતત વધી રહ્યો છે. કોંગ્રેસ સાંસદોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપના સાંસદે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું અપમાન કર્યું છે. જેથી કર્ણાટકના ભૂતપૂર્વ CM અને ભાજપના સાંસદ બસવરાજ બોમ્મઈએ કહ્યું છે કે જાતિની જનગણતરી કરાવવાની વાત કહેવાવાળા લોકો જાતિ પૂછવાથી નારાજ થઈ રહ્યા છે. વિપક્ષના નેતા અનુરાગ ઠાકુરના રાજીનામાની માગ કરી રહ્યા છે.
લોકસભામાં મંગળવારે અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જેમની કોઈ જાત નથી તેઓ જાતિની જનગણતરીની વાત કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમનો ઇશારો રાહુલ ગાંધીની તરફ હતો. જે પછી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ અન્યની જાતિ કેવી રીતે પૂછી શકે છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એને અપમાન ગણાવ્યું હતું.
ત્યાર બાદ ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિસાન સાધતાં કહ્યું હતું કે અનુરાગ ઠાકુરે તેમના ભાષણમાં કોઈનું નામ નહોતું લીધું. નામ નહીં લેતા ઠાકુરે કહ્યું હતું કે જેમની જાતિ માલૂમ નથી તેઓ જનગણતરીની વાત કરી રહ્યા છે. તો એક જ શખસને ખરાબ લાગ્યું. તેમના ઇશારા પર કોંગ્રેસના બધા સભ્યો ઊભા થઈ ગયા, કેમ? તેમને જાતિ પૂછવાથી મુશ્કેલી કેમ થઈ રહી છે? પાત્રાએ સંત કબીરનો દોહો વાંચતા કહ્યું હતું કે રાહુલ ગાંધી જો સાધુ હોત તો તેમની જાતિ ના પૂછવામાં આવત. વડા પ્રધાન મોદીએ ઠાકુરનું નિવેદન સોશિયલ મિડિયા પર શેર કરતાં લખ્યું હતું કે મારા યુવા સહયોગી અનુરાગ ઠાકુરનું આ ભાષણ જરૂર સાંભળવું જોઈએ, જે તથ્યો અને હાસ્યનું આદર્શ મિશ્રણ અને ઇન્ડી ગઠબંધનના ગંદા રાજકારણને ઉજાગર કરે છે.