નવી દિલ્હીઃ મોદી સરકારની ઇસ્ટ પોલિસીનો સૌથી મોટા પ્રોજેક્ટ હવે 70 ટકા સુધી પૂરો થઈ ચૂક્યો છે. જે મુજબ મણિપુરથી દાખલ થતા મ્યાનમાર અને એ હાઇવે થાઇલેન્ડ સુધી જશે. આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ થઈ રહ્યું છે, પણ મણિપુરમાં હિંસા થવાને કારણે મુશ્કેલીઓ આવી રહી છે, જેને જલદી હલ કરવામાં આવશે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું. આ હાઇવે વર્ષ 2027 સુધી પૂરો થવાની અપેક્ષા છે, જે પછી ભારતથી થાઇલેન્ડ જવું સરળ બનશે. ફ્લાઇટને બદલે લોકો કારથી થાઇલેન્ડ જઈ શકશે.
ભારત, મ્યાનમાર અને થાઇલેન્ડ હાઇવે ત્રણે દેશો મળીને બનાવી રહ્યા છે, જેની કુલ લંબાઈ 1400 કિમી છે. આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ તત્કાલીન વાજપેયી સરકારે આપ્યો હતો, પણ એ માત્ર કાગળોમાં સમેટાઈને રહી ગયો હતો. મોદી સરકાર સત્તામાં આવ્યા પછી આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું.
ત્રણે દેશોને જોડતો આ હાઇવે કોલકાતાથી શરૂ થઈને સિલીગુડી સુધી જાય છે અને કૂચબિહાર થતાં બંગાળના શ્રીરામપુર સરહદેથી આસામમાં પ્રવેશ કરે છે. આસામમાંથી થતાં દીમાપુર ને નાગાલેન્ડની યાત્રા પછી મણિપુરના ઇમ્ફાલની પાસે મોરેહ થઈને મ્યાનમારમાં પ્રવેશ કરશે. મ્યાનમારના બાગો અને યંગુન થતાં પ્રવાસીઓ થાઇલેન્ડમાં પ્રવેશ કરી શકશે.
આ હાઇવેને પૂરો થયા પછી ભારતના ઉત્તર-પૂર્વના અર્થતંત્રમાં સુધારો થશે. એનાથી ચીનના અર્થતંત્રને મોટો ઝાટકો લાગશે. ચીનનો વેપાર એશિયન દેશોમાં ફેલાયેલો છે, પણ હવે ભારતની આ દેશોમાં કનેક્ટિવિટી વધશે તો આ દેશોની ચીન પર નિર્ભરતા ઓછી થશે.