નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 224 વિધાનસભાનની મતગણતરી જારી છે. કોંગ્રેસ સત્તાધારી ભાજપને માત આપીને પૂર્ણ બહુમતની સાથે સત્તા મેળવતી નજરે ચઢી રહી છે. જે પછી હાર અને જીતનાં કારણોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. કર્ણાટકમાં ભાજપની હાર પાછળ મજબૂત ચહેરો ન હોવાનું રાજકીય સમીકરણ સાધવામાં નિષ્ફળતા જેવાં મોટાં કારણો જવાબદાર છે. કર્ણાટકમાં ભાજપની હાર માટે છ મુખ્ય કારણો જવાબદાર છે.
કર્ણાટકમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ મજબૂત ચહેરો ન હોવાનું પહેલું કારણ છે. મુખ્ય પ્રધાન બોમ્મઈ કોઈ ખાસ અસર નહીં પાડી શક્યા, જ્યારે કોંગ્રેસની પાસે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા જેવા મજબૂત ચહેરા હતા. બોમ્મઈને આગળ ચૂંટણી મેદાનમાં ઉતારવા ભાજપને મોંઘું પડ્યું હતું.
ભાજપની હાર પાછળ મહત્ત્વનું કારણ ભ્રષ્ટાચારનો મુદ્દો રહ્યો હતો. કોંગ્રેસે ભાજપની સામે પ્રારંભથી 40 ટકા પે-CM કરપ્શનનો એજન્ડા સેટ કર્યો હતો અને એ ધીમે-ધીમે મોટો મુદ્દો બની ગયો હતો. કરપ્શનને મુદ્દે એસ ઇશ્વરપ્પાને મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એક ભાજપના વિધાનસભ્યને જેલ પણ જવું પડ્યું હતું.
ભાજપ તેની મત બેન્ક લિંગાયત સમુદાયને ના જોડે રાખી શકી અને ના દલિત, આદિવાસી, ઓબીસી અને વોક્કાલિંગા સમુદાયનું દિલ જીતી શકી, જ્યારે કોંગ્રેસે મુસ્લિમોથી માંડીને દલિત અને ઓબીસીને મજબૂતી જોડ્યા હતા. કર્ણાટકમાં એક વર્ષથી ભાજપના નેતા હલાલા, હિજાબથી માંડીને અજાન સુધીના મુદ્દા ઉઠાવતા રહ્યા. એવામાં ચૂંટણીમાં બજરંગ બલીનો પ્રવેશ થયો, પણ ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસ ભાજપને કામ ના આવ્યો.કર્ણાટકમાં ભાજપને ઊભો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાને આ વખતે ચૂંટણીમાં સાઇડ લાઇન રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટાર અને ભૂતપૂર્વ ડેપ્યુટી CM લક્ષ્મણ સાવદીની ભાજપે ટિકિટ કાપી હતી. જેને નજર અંદાજ કરવું ભાજપને મોંઘું પડ્યું હતું.
આ સાથે કર્ણાટકમાં ભાજપની હારનું મોટું કારણ સત્તાવિરોધી લહેર પણ છે, જેને ખાળવામાં ભાજપ નિષ્ફળ રહી હતી.