UP નગર નિગમમાં ભાજપનો ડંકો, 17 નગર નિગમ, 166 નગર પંચાયતોમાં આગળ

લખનઉઃ ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણીમા ભાજપનો ડંકો વાગ્યો છે. નગર નિગમની 17 બેઠકોની સાથે નગરપાલિકા અને નગર પંચાયતની મોટા ભાગની બેઠકો ભાજપે જીતી લીધી છે અથવા તો આગળ ચાલી રહી છે. રાજ્યના 75 જિલ્લાઓમાં 760 નગર નિગમો માટે બે તબક્કામાં મતદાન થયું હતું, એમાં 17 નગર નિગમ, 199 નગરપાલિકા અને 544 નગર પંચાયત છે.

પહેલા તબક્કામાં રાજ્યના 37 જિલ્લાઓમાં અને બીજા તબક્કામાં 38 જિલ્લાઓમાં મતદાન થયું હતું. UP નગર નિગમ ચૂંટણીના પહેલા તબક્કામાં 37 જિલ્લાઓમાં 52 ટકા તો બીજા તબક્કામાં 38 જિલ્લાઓમાં 53 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસ સહિત બધી રાજકીય પાર્ટીઓની શાખ દાવ પર લાગી હતી. UPની 17 નગર નિગમોમાં ભાજપની જીત થઈ છે. આ સિવાય નગર પાલિકાની 87 અને નગર પંચાયતની 166 બેઠકો પર આગળ છે. એમાં પણ કેટલીય સીટો જીતી ગઈ છે.

UPના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્યએ નગર નિગમની ચૂંટણીમાં ભાજપની જીતની આશા વ્યક્ત કરી હતી. ઉત્તર પ્રદેશ નગર નિગમ ચૂંટણી પરિણામમાં EVM દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. UPની બધી 17 નગર નિગમોમાં ચૂંટણી પરિણામ સાંજે ચાર કલાક સુધી આવવાની શક્યતા છે.અહેવાલ મુજબ નગર નિગમ ચૂંટણીની મત ગણતરી પહેલાં ચૂંટણી પંચે 44 નગર નિગમનાં ચૂંટણી પરિણામો જાહેર કર્યાં હતાં. આ સીટો પર એકલા ઉમેદવારોને કોઈ પણ વિરોધી તરફથી ટક્કર નહોતી મળી.