ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ મે આકરો રહેવાની આગાહી

નવી દિલ્હીઃ આ વર્ષે મે-જૂન પહેલાં કાળઝાળ ગરમીએ લોકોના બેહાલ કર્યા છે. કેટલાંય શહેરોમાં પારો 47 ડિગ્રીને પાર થયો છે. હવામાન વિભાગે કહ્યું હતું કે એપ્રિલમાં ગરમીનો 122 વર્ષ ટૂનો રેકોર્ડ તૂટી ગયો છે. એપ્રિલમાં સરેરાશ તાપમાન 37 ડિગ્રીથી વધુ રહ્યું છે. ચિંતાની વાત એ છે કે મેમાં હજી આકરી ગરમી પડવાની છે.

IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુજંય મોહપાત્રએ કહ્યું હતું કે મેમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે. જેથી ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં હજી કાળઝાળ ગરમી પડવાની છે. મેમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં દિવસની તુલનાએ રાત વધુ ગરમ હશે. પશ્ચિમી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

તેમણે કહ્યું હતું કે ઉત્તર ભારમાં છ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યાં છે, પણ એ બહુ નબળાં હતાં. એ હિમાલના ઊંચા વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા. એના લીધે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂકાયા હતા, જયારે રાજસ્થાનમાં ધૂળ ભરી આંધી જોવા મળી હતી.

ઉત્તર-પૂર્વ અને પશ્ચિમી રાજ્યોમાં છેલ્લા કેટલાંય સપ્તાહોથી લૂ વાઈ રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો બેહાલ છે. શુક્રવારે બાંદા સૌથી ગરમ હતું. અહીં પારો 47 ડિગ્રીને પાર થયું હતું. બીજી બાજુ લખનઉ, ગોરખપુર, કાનપુર, અયોધ્યામાં પણ આકરા તાપમાને લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. રસ્તાઓ પર ભીડ ઓછી હતી, જ્યારે જરૂરી કામો માટે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા હતા. સ્કૂલનાં બાળકોએ પણ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી.