ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ એકાઉન્ટને આધાર, PAN સાથે લિન્ક કરવા કોર્ટ ઓર્ડર નહીં આપે

નવી દિલ્હી – ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર અનેક નકલી એકાઉન્ટ્સ છે અને તેની સંખ્યા વધી રહી છે. આ સમસ્યા ઉકેલવા માટે આ સોશિયલ મિડિયા એકાઉન્ટ્સને વ્યક્તિના આધાર, PAN કે વોટર આઈડી કાર્ડ સાથે લિન્ક કરવાની માગણી કરવામાં આવી છે, પણ દિલ્હી હાઈકોર્ટે આ બાબતમાં કેન્દ્ર સરકારને આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે.

હાઈકોર્ટે આજે કહ્યું કે એકાઉન્ટ્સને લિન્ક કરવાથી સાચા એકાઉન્ટધારકો, જેમની સંખ્યા ઘણી વધારે છે, એમની વિગતો બિનજરૂરી રીતે વિદેશી દેશોમાં જતી રહેશે.

ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને ન્યાયમૂર્તિ સી. હરિશંકરની બનેલી બેન્ચે કહ્યું કે ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પરના એકાઉન્ટ્સને આધાર, PAN કે અન્ય કોઈ ઓળખ દસ્તાવેજ સાથે લિન્ક કરવા માટે કેન્દ્ર સરકારે નવી નીતિ ઘડવી પડે કે હાલના કાયદાઓમાં સુધારો કરવો પડે. આ કામગીરી અદાલત કરી ન શકે.

ન્યાયાધીશોએ કહ્યું કે અદાલતની ભૂમિકા કાયદો જે સ્થિતિમાં હોય એનું અર્થઘટન કરવાની હોય છે. કાયદો કેવો હોવો જોઈએ એ જોવાનું અમારું કામ નથી. માત્ર અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં જ ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરી શકે.

વડી અદાલતે એમ પણ કહ્યું કે સોશિયલ મિડિયા એકાઉન્ટ્સને આધાર કે PAN જેવી વ્યક્તિની ઓળખ આપતી ડેટા સાથે જોડવાનો વિષય મહત્ત્વનો છે, પરંતુ એની પર કેન્દ્ર સરકારે ધ્યાન આપવાનું છે. આ વિષયમાં સરકારે અદાલતને વચ્ચે લાવવી ન જોઈએ, કારણ કે આ બાબત સાચા એકાઉન્ટ ધારકોની ડેટાના સંબંધમાં દૂરગામી પરિણામ લાવી શકે.

 

ન્યાયાધીશોએ એમ પણ કહ્યું કે આ બાબતમાં અમે કેન્દ્ર સરકારને કોઈ પ્રકારનો આદેશ આપવા પણ ઈચ્છતા નથી, કારણ કે કાયદા પંચમાં આ બાબત પર ચર્ચા થઈ જ છે.

તે છતાં કોર્ટે સરકારને કહ્યું છે કે તમે સાચા એકાઉન્ટધારકોની ઓળખને લગતી ડેટાને ધ્યાનમાં રાખીને યોગ્ય સંતુલન રાખીને આ વિષયમાં નિર્ણય લો.

ઉલ્લેખનીય છે કે, આ કેસ ભાજપના નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાયે કર્યો હતો. એમણે કહ્યું હતું કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર 20 ટકા જેટલા એકાઉન્ટ્સ નકલી કે ડુપ્લીકેટ છે.