નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-3 માટેની માર્ગદર્શિકા જારી કરી દીધી છે. એ ગાઇડલાઇન્સ પ્રમાણે બહારની કામગીરીને મોટા ભાગે ખોલવામાં આવી છે. એની સાથે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના બાકીના હિસ્સાઓમાં રાત્રિ કરફ્યુ પણ હટાવવામાં આવશે. જોકે સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસિસ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
યોગ સંસ્થાઓ અને જિમને પાંચ ઓગસ્ટથી ખોલવાની મંજૂરી
રાત્રિ દરમ્યાન આવ-જા પરનો પ્રતિબંધ (રાત્રિ કરફ્યુ) દૂર કરવામાં આવ્યો છે. યોગ સંસ્થાઓ અને જિમને પાંચ ઓગસ્ટથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાઓ પર માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરીને લોકો જઈ શકશે. સ્વતંત્ર્યતા દિવસના કાર્યક્રમમાં પણ લોકો સામાજિક અંતરનું પાલન કરીને સામેલ થઈ શકશે.
આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજૂરી
વંદે ભારત મિશન હેઠળ સીમિત પ્રકારે પેસેન્જરોને આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજૂરી આપવામાં આવી છે.
નીચેની પ્રવૃત્તિઓ છોડીને બાકીની બધી કામગીરી માટે બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.
|
દેશનાં બધાં કન્ટેનમેન્ટ ઝોનની નિગરાની કેન્દ્ર સરકાર કરશે. રાજ્ય સરકારોને કન્ટેનમેન્ટ ઝોનની બહાર પ્રવૃત્તિઓ પર નિર્ણય લેવાનો રહેશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરી શકે છે.
કોઈ પણ રાજ્યની અંદર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં લોકો અને ચીજવસ્તુઓના આવવા-જવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. આના માટે અલગથી મંજૂરી અથવા ઈ-પરમિટ લેવાની જરૂર નહીં પડે. અનલોક-3માં કોવિડ-19 પર કેન્દ્ર સરકાર દ્વારા જારી થયેલા બધા પ્રોટોકોલ સંપૂર્ણ રીતે લાગુ પડશે. બધી દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ દુકાનદારોએ ગ્રાહકોની વચ્ચે પર્યાપ્ત સામાજિક અંતરનું ધ્યાન રાખવાનું રહેશે. લોકોએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. બીમાર વ્યક્તિઓ, સિનિયર સિટિઝનો, બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બને ત્યાં સુધી પોતાના ઘરમાં રહેવું પડશે.