રફાલ બનાવનાર કંપની સાથે ભારતનો 67 વર્ષ જૂનો નાતો

નવી દિલ્હી: ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે પાંચ રફાલ લડાકુ વિમાન ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યા છે. આ પાંચેય રફાલ ફાઈટર જેટનું હરિયાણાના અંબાલા એરબેઝ પર ભવ્ય આગમન થયું. આ રફાલ લડાકુ વિમાન ફ્રાંસની કંપની દસોલ્ટ એવિએશન એ બનાવ્યા છે. દસોલ્ટ એવિએશન લશ્કરી અને નાગરિક જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવાતા વિમાનો બનાવે છે. દસોલ્ટ સાથે ભારતનો સંબંધ 67 વર્ષ જૂનો છે. એટલે કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીનો.

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુના સમયે, 1953માં દસોલ્ટ એવિએશને ‘તૂફાની’ બોમ્બર વિમાન ભારતને આપ્યા હતા. તે સમયે ભારતે 113 તૂફાની વિમાન ખરીદ્યા હતા. આ સમય દરમિયાન ભારત દસોલ્ટનું પ્રથમ વિદેશી ગ્રાહક બન્યું હતું. ભારત દ્વારા દિવ ટાપુને પોર્ટુગલથી આઝાદ કરાવવા માટે 1961માં તૂફાની વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ લડાકુ વિમાનનો ઉપયોગ 1962 માં આસામ અને નાગાલેન્ડમાં આતંકવાદીઓને હાંકી કાઢવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારપછી 1962 માં ચીન સામેના યુદ્ધ વખતે પણ આ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, 1965 માં, આ વિમાનોનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો કારણ કે 1957 માં 100 Mystère IV A લડાકુ વિમાન ખરીદવામાં આવ્યા હતા, જે તૂફાની કરતાં વધુ શક્તિશાળી અને ઘાતક હતા.

1960માં ભારતે દસોલ્ટ પાસેથી એલિઝ વિમાન ખરીદ્યા હતા જે એન્ટી સબમરીન વિમાન હતા. 1978માં ભારતે ફ્રાંસ પાસેથી 40 રેડી ટુ ફ્લાય જગુઆર બોમ્બર વિમાન ખરીદ્યા અને 120 જગુઆરનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવ્યું. જેની શ્રીલંકા અને કારગિલના યુદ્ધમાં મહત્વપૂર્ણની ભૂમિકા રહી હતી.

1982માં 49 ‘મિરાજ 2000’ ફાઇટર એરક્રાફ્ટ અંગે કરાર થયો. ‘મિરાજ 2000’ની કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા રહી હતી. મિરાજ 2000નો ઉપયોગ 26 ફેબ્રુઆરી 2019 ના રોજ, બાલાકોટમાં આતંકવાદીઓના સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો. હવે રફાલની ભારતમાં એન્ટ્રીથી દસોલ્ટ સાથે વર્ષો જૂના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

મહત્વનું છે કે, પ્રથમ રફાલ વિમાન ઓક્ટોબર 2019માં ભારતને સોંપી દેવામાં આવ્યું હતું. આ એક ટ્રેનર વિમાન હતું જેમાં ભારતીય પાઇલટ્સને તાલીમ આપવામાં આવી રહી હતી. આજે ભારત પહોંચેલા પાંચ વિમાનોમાંથી ત્રણ સિંગલ-સીટર લડાકુ વિમાન છે જ્યારે બે ટ્રેનર અને ટૂ-સીટર વિમાન છે.