કોરોના કાળમાં શટલની સવારી..ને..નિયમો નેવે!

અમદાવાદ: શહેરમાં હજારો ઓટો રિક્ષા ચાલકો શટલ સર્વિસ ચલાવી પેટિયું રળે છે. શહેરના જમાલપુર, નારોલ, નરોડા જેવા જુદા જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી શટલ રિક્ષાઓનો જમાવડો જોવા મળે છે. કોરોના ની મહામારી વચ્ચે પણ શટલીયાઓનો ધમધોકાર ચાલે છે.  શહેરમાં ચાલતી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાની ખામીઓ અને બીજી તરફ રોજગારી માટે માર્ગો પર વધતી રિક્ષા ઓના કારણે શટલીયાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.

ચારરસ્તા ઉપર, બ્રિજ ના છેડે, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન જેવા અનેક સ્થળોએ શટલ રિક્ષા ઓનો જમાવડો જોવા મળે છે. રિક્ષા એસોસિએશન સાથે સંકળાયેલા હોદ્દેદારો ચિત્રલેખા.કોમને કહે છે શટલ રિક્ષાથી ગરીબ, શ્રમજીવી , મધ્યમ વર્ગ ને ખૂબજ ફાયદો થાય છે. નોકરી, ધંધા કે કામ પરથી છુટ્યા બાદ જો શટલીયા મળી જાય તો બેસવાની જગ્યા પણ મળી જાય અને સસ્તા ભાડામાં જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરી પણ શકાય. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસોમાં ચોક્કસ સ્ટેન્ડ પર જ ઉતરવું પડે છે.

બીજી તરફ પેસેન્જર મેળવવાની પડાપડીમાં જમાલપુર અને નારોલ ચોકડી જેવા વિસ્તારોમાં માર્ગોની વચ્ચે જ ઓટો રિક્ષાઓ ઉભેલી જોવા મળે છે. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારોમાં ટીઆરબી, હોમગાર્ડઝ, પોલીસની ઉપસ્થિતિમાં જ શટલીયા રિક્ષાઓ ચાલે છે. શટલીયા રિક્ષા ચાલકોની રોજગારી માટે કે અન્ય કારણસર તંત્ર દ્વારા આંખ આડા કાન થઇ રહ્યા છે, કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાવચેતી એટલી જ જરૂરી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]