નવી દિલ્હીઃ GST કાઉન્સિલની મીટિંગ સતત ચાલી રહી છે, જ્યાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. GSTની 48મી બેઠકમાં ઓટો ક્ષેત્ર માટે એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં SUV ગાડીઓની વ્યાખ્યા નક્કી કરવાની સાથે એના પર 22 ટકા કોમ્પેનસેશન સેસ લગાવવા પર સહમતી સાધવામાં આવી છે.
SUV કાર ખરીદનારાઓને પહેલાંની તુલનામાં SUV ખરીદવી હવે મોંઘી પડશે. મારુતિ અને ટાટા જેવી કંપનીઓએ કારની કિંમતોમાં પહેલેથી વધારો કર્યો છે. સરકારે હવે એના પર ટેક્સ વધાર્યો છે. GST કાઉન્સિલે 22 ટકા સેસ ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે, જે 28 ટકા GSTની સાથે વસૂલવામાં આવશે. એટલે કે હવે ગ્રાહકે SUV ખરીદતી વખતે કુલ 50 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
GST કાઉન્સિલની મીટિંગમાં SUV કારની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી છે, જેમાં કારના એન્જિનની ક્ષમતા 1500 CC, 4000mm લંબાઈ અને 170mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ હશે. કાઉન્સિલની બેઠકમાં સેડાનને SUV ગણવી જોઈએ કે નહીં એના પર પણ ચર્ચા થઈ હતી.
મારુતિ અને ટાટા ગ્રુપે કારોની કિંમતોમાં આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી અમલમાં આવે એ રીતે ભાવવધારો જાહેર કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે કંપને ખર્ચ ઓછો કરવા માટે મહત્તમ પ્રયાસ કર્યા છે અને આંશિક રૂપે એ વધારાને અટકાવવા પણ પ્રયાસ કર્યા છે, પણ હવે કિંમતોમાં વધારો જરૂરી છે. કંપનો કારોની કિંમતમાં એકથી બે ટકાનો વધારો જાહેર કરે એવી શક્યતા છે.
