તાજમહેલને પાણીવેરાનું મળ્યું રૂ. 1 કરોડનું બિલ

આગરાઃ આગરા શહેરની મહાનગરપાલિકાએ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) સંસ્થાને કહ્યું છે કે તે ઐતિહાસિક સ્મારક તાજમહેલ માટે પ્રોપર્ટી ટેક્સ અને વોટર ટેક્સના બિલ ચૂકવે. એએસઆઈના અધિકારોના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા તરફથી એજન્સીને વોટર ટેક્સ અને પ્રોપર્ટી ટેક્સ માટે બે નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે.

અધિકારી રાજ પટેલે જણાવ્યું છે કે એએસઆઈને એવું જણાવવામાં આવ્યું છે કે તે પ્રોપર્ટી ટેક્સ રૂપે રૂ. 1 લાખ 40 હજાર ચૂકવે અને વોટર ટેક્સ રૂપે રૂ. એક કરોડ ચૂકવે. આ રકમ ચૂકવવા માટે એએસઆઈને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અને એમ પણ કહ્યું છે કે જો તેઓ બિલની ચૂકવણી નહીં કરે તો ‘પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે.’ બંને બિલ નાણાકીય વર્ષો 2021-22 અને 2022-23 માટેના છે. વાસ્તવમાં, સ્મારકોને પ્રોપર્ટી ટેક્સ લાગુ પડતો નથી. એવી જ રીતે, અમારે વોટર ટેક્સ ચૂકવવાની પણ જરૂર હોતી નથી, કારણ કે અમે પાણીનો વપરાશ વ્યાપારી ધોરણે કરતા નથી. પાણીનો ઉપયોગ સ્મારકની અંદર લીલોતરીની જાળવણી માટે કરાય છે. તાજમહેલને આ પ્રકારની નોટિસો આ પહેલી જ વાર આપવામાં આવી છે. કદાચ એ ભૂલથી પણ મોકલાઈ હશે.

ઉલ્લેખનીય છે કે, તાજમહેલને 1920ની સાલમાં એક સંરક્ષિત સ્મારક તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસનના કાળમાં પણ એને કોઈ પ્રોપર્ટી ટેક્સ કે વોટર ટેક્સ લાગુ કરવામાં આવતો નહોતો.