12 મેથી 15 પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરાશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ આજે જાહેરાત કરી છે કે તે 12મી મેથી 15 ટ્રેનો સાથે પેસેન્જર ટ્રેન સેવા ધીમે ધીમે ફરી શરૂ કરવાની છે. આ સેવામાં રીટર્ન સફરનો પણ સમાવેશ થાય છે.

શરૂઆતના તબક્કામાં, નવી દિલ્હી સ્ટેશનેથી વિશેષ ટ્રેનો તરીકે 15 ટ્રેનોની જોડીને દોડાવવામાં આવશે. આ ટ્રેનો નવી દિલ્હી અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ, દિબ્રુગઢ, અગરતાલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકન્દ્રાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ અને જમ્મુ તવી વચ્ચે દોડાવાશે.

રેલવે 12 મેથી તેની પસંદગીની પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરશે. તમામ પેસેન્જર ટ્રેનો એસી કોચમાં દોડાવાશે. આ ટ્રેનો મર્યાદિત સ્ટેશનો પર ઊભી રાખવામાં આવશે. આ ટ્રેનોમાં પ્રવાસ માટે રાજધાની ટ્રેન જેટલું જ ભાડું લેવામાં આવશે.

રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, આ ટ્રેનો માટેનું રીઝર્વેશન 11 મેએ સાંજે ચાર વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને તે માત્ર IRCTC વેબસાઈટ પર જ ઉપલબ્ધ હશે.