સરકારે 11.5 કરોડ પેન-કાર્ડ બંધ કર્યાઃ હવે ચૂકવવો પડશે દંડ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11.5 કરોડ પેન-કાર્ડ બંધ કરી દીધા છે. પેન કાર્ડને આધારથી નહીં જોવાને કારણે આ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. એક RTIના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિસે (CBDTએ) જણાવ્યું કે પેન-કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 જૂન હતી. નિયત સમયમાં બંને કાર્ડ લિન્ક ન કરાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દેશમાં આ પેન-કાર્ડની સંખ્યા 70.24 કરોડ પર પહોંચી ગઈ છે. એમાંથી 57.25 કરોડ લોકોએ પેન-કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું હતું. આસરે 12 કરોડ લોકોએ નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયાને અનુસરી ન હતી, તેમાંથી 11.5 કરોડ લોકોના કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશના RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે RTI દાખલ કરી હતી, જેમાં માહિતી આપવામાં આવી હતી કે નવાં પેન-કાર્ડ બનાવતી વખતે આધાર સાથે લિંક કરવામાં આવે છે. આ આદેશ એવા લોકો માટે જારી કરવામાં આવ્યો છે જેમણે 1 જુલાઈ, 2017 પહેલા પાન કાર્ડ બનાવ્યું હતું. આવકવેરા કાયદાની કલમ 139 AA હેઠળ, પાન કાર્ડ અને આધારને લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ આદેશ હેઠળ, જે લોકો પાન-આધાર લિંક કરાવવામાં નિષ્ફળ જાય છે તેઓ પર રૂ. 1000નો દંડ ભરીને તેમના કાર્ડને ફરીથી સક્રિય કરી શકે છે. તેમણે કહ્યું હતું કે નવું પેન-કાર્ડ બનાવવાની ફી માત્ર રૂ. 91 છે, તો પછી કાર્ડ રિએક્ટિવ કરવા માટે સરકાર 10 ગણાથી વધુ દંડ શા માટે વસૂલી રહી છે? લોકો આવકવેરા રિટર્ન પણ ફાઇલ કરી શકશે નહીં. સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.