શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રીઃ સશક્ત વિષય, સંવેદનશીલ માવજત…

બંગાળી ફિલ્મોની સર્જક-જોડી નંદિતા રૉય-શિબોપ્રસાદ મુખર્જીએ 2017માં ‘પોસ્ટો’ નામની ફિલ્મ બનાવેલી. છ વર્ષ પછી એમણે આનું હિંદી વર્ઝન આપણી સામે મૂક્યું છેઃ ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ‘શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રી.’ આ ફિલ્મનો વિષય દેશનાં શહેરી ઘરસંસારને, વર્કિંગ કપલ્સને, એમનાં સંતાનની પરવરિશને સ્પર્શે છે. ‘શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રી’ની સફળતા એ છે કે એ આપણને વિચારમાં પાડી દે છે, થિએટરમાંથી બહાર નીકળતી વખતે આપણે સાથે કશુંક લઈને નીકળીએ છીએ, ભીતર કશુંક સળવળે છે.

વાર્તાના કેન્દ્રમાં છે સાત વર્ષનો યમન અથવા મોમો (કબિર પાહવા), જે પંચગિનીમાં એનાં દાદા-દાદી મનોહર અને ઉર્મિલા શાસ્ત્રી (પરેશ રાવલ-નીના કુલકર્ણી) પાસે ઊછરી રહ્યો છે. એનાં મમ્મી-પપ્પા મલ્હાર-મલ્લિકા શાસ્ત્રી (શિવ પંડિત-મીમી ચક્રવર્તી) મુંબઈમાં કામકાજમાં કરિયર બનાવવામાં વ્યસ્ત છે. બન્ને વીકએન્ડમાં યમનને મળવા આવે છે, વીકડેઝમાં વિડિયો ચૅટ્સ. એવામાં મલ્હારને અમેરિકામાં એક સારી નોકરીની ઑફર આવે છે એટલે એ પત્ની-બાળક સાથે યુએસ વસી જવાનું નક્કી કરે છે. મનોહર શાસ્ત્રી પુત્રના નિર્ણયનો વિરોધ કરે છે, ને આરંભાય છે ફૅમિલીનું લીગલ યુદ્ધઃ પૌત્રનો કાયદેસર કબજો (લીગલ ગાર્ડિયનશિપ) મેળવવા મનોહર શાસ્ત્રી ન્યાયાલયનાં બારણાં ખખડાવે છે. અહીંથી શરૂ થાય છે જકડી રાખતો, લાગણીનીતરતો કોર્ટરૂમ ડ્રામા. અંતે લીગલ ગાર્ડિયનશિપ કોને મળે છે? આ જાણવા તમારે મોટા પરદા પર ‘શાસ્ત્રી વર્સીસ શાસ્ત્રી’ જોવી જોઈએ.

ફિલ્મના વિષયમાં આજના સમયનું પ્રતિબિંબ છેઃ શહેરમાં નોકરી-ધંધો કરતાં પતિ-પત્ની માટે એમનાં બાળકોની સારસંભાળનો સહેલો, સુરક્ષિત અને મફત ઉકેલઃ દાદા-દાદી કે નાના-નાની. દેશમાં કે પરદેશમાં, પત્ની કે પુત્રવધૂની ડિલિવરી હોય ત્યારે મારતે વિમાને સાસુ કે મમ્મીને (અમુક કિસ્સામાં બન્નેને) તેડાવવામાં આવે છે. છેલ્લા દિવસો જતા હોય ત્યારે જવાનું. પહેલાં ડિલિવરી પછી બેબીસીટિંગ. અલબત્ત, આમાં કશું જ ખોટું નથી… સમસ્યા ત્યારે થાય છે, જ્યારે બાળમાનસમાં સુ-સંસ્કારનાં બીજ વાવતા વડીલો, એમનો ઉછેર અર્બન વર્કિંગ કપલ્સને દકિયાનુસી લાગવા માંડે. એ વિચારવા માંડે કે દીકરા-દીકરી દાદા-દાદી જેવાં થતાં જાય છે, વધુપડતા લાડ લડાવવાના લીધે જિદ્દી થતાં જાય છે… અને સાથે જ એમને ચિંતા સતાવવા માંડે કે અમારાં બાળકનું અમારી સાથે બૉન્ડિંગ ક્યારે થશે?

ફિલ્મનાં અનેક સબળ પાસાંમાંનાં બે છેઃ રાઈટિંગ અને ડિરેક્શન. નાની નાની ડિટેલમાં આપણને ડિરેક્ટર દેખાય છે. જેમ કે, ઉર્મિલા અને મનોહર પંચગિનીમાં જે રીતે ઘરસંસાર ચલાવે છે એનાથી સાવ વિપરીત મલ્હાર અને મલ્લિકા મુંબઈમાં ઘર ચલાવે છે… સંગીતજ્ઞ દાદાજી પૌત્રને શાસ્ત્રીય સંગીત (કંઠ્ય)ના દંતકથા બની ગયેલા કુમાર ગાંધર્વ વિશે સમજણ આપે છે… લેખન-દિગ્દર્શન આપણને વિચાર કરતાં કરી મૂકે છે કે સાચું કોણ? મનોહર શાસ્ત્રી? કે મલ્હાર શાસ્ત્રી? હા, થોડાક ઉપદેશાત્મક સંવાદો તથા ફિલ્મની લંબાઈ (આશરે સવાબે કલાક) થોડાં કાપી શકાયાં હોત. હશે. લેખન-દિગ્દર્શન બાદ અહીં અભિનયનો ડિપાર્ટમેન્ટ પણ સ્ટ્રોન્ગ છે. પતિ અને પુત્રની જિદ, અંહકાર વચ્ચે સપડાયેલાં, મોમોનાં દાદીમાની ભૂમિકા ભજવતાં નીના કુલકર્ણી એમના સંયમિત અભિનય માટે યાદ રહી જાય છે. શિવ પંડિત અને મીમી ચક્રવર્તી સરસ. કોર્ટમાં મમ્મી-પપ્પાની વકીલાણી જવાન (અમૃતા સુભાષ) છે, જ્યારે મનોહરનું પ્રતિનિધિત્વ કરે છે પીઢ, વડીલ વકીલ (મનોજ જોશી), જ્યારે જજ છે કેકે રૈના. ટીકુ તલસાણિયા ટૂંકી, પણ અસરદાર ભૂમિકામાં છે. બધાંએ જ પાત્રોચિત અભિનય કર્યા છે.

કિંતુ મારા મતે, આ ફિલ્મ ઉત્તમ અદાકાર પરેશ રાવલે એમના ખભા પર ઊંચકી લીધી છે એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નહીં ગણાય. હવે આપણો વારો છેઃ આવાં વિષયવસ્તુ પર બનેલી એક સારી ફિલ્મને માથે મૂકવાની, થિએટરમાં જઈને જોવાની. ટિકિટબારી પર ચાલે ન ચાલે એની ઐસી કી તૈસી. એ માટે ‘જવાન’ ને ‘પઠાન’ છે.