આ ફિલ્મના વિષયવસ્તુ અવશ્ય વાઈરલ થવા જોઈએ…

ગયા વરસની વાતઃ નોકિયા ફોન માટે વિશ્વવિખ્યાત એવા ફિનલૅન્ડનાં વડાં પ્રધાન સના મેરિન એક પ્રાઈવેટ પાર્ટીમાં મસ્તીમાં નાચી રહ્યાં હતાં. 37 વર્ષી સનાબહેનનો એ વિડિયો વૉટ્સઍપ પર ફરી વળ્યો. દેશઆખામાં હોબાળો મચી ગયોઃ આ કેવું? એક મહિલા અને એમાંયે દેશનાં પ્રાઈમ મિનિસ્ટર? એમનાથી આવું તે કંઈ કરાતું હશે?

આ ઘટનાના લગભગ એક વર્ષ બાદ આજે (27 ઑક્ટબરે) ‘રોન્ગસાઈડ રાજુ’ માટે નૅશનલ એવૉર્ડથી સમ્માનિત ડિરેક્ટર મિખિલ મુસળે ‘સજની શિંદે કા વાઈરલ વિડિયો’ સાથે હાજર છે. ભાઈ મિખિલ અને પરિંદા જોશી લિખિત થ્રિલરના હાર્દમાં છે જવાન સ્કૂલટીચર સજની શિંદે (રાધિકા માદન)નો વાઈરલ વિડિયો.

પુણેની એક નામાંકિત સ્કૂલની તેજસ્વી સાયન્સ ટીચર સજની પોતાની બર્થડે પાર્ટીમાં ટકીલા શૉટ્સ પીને બારમાં નાચી રહી છે એવો વિડિયો વાઈરલ થાય છે, પુણેકરો વૉટ્સઍપ પર ફૉરવર્ડ થયેલો વિડિયો જોઈને મજા લે છે, અખબારમાં પહેલા પાને સમાચાર ચમકે છેઃ ‘પુણે ટીચર ગોઝ રૉન્ચી.’ બાળકોનાં પૅરન્ટ્સ તથા ટ્રસ્ટીમંડળના દબાણ હેઠળ પ્રિન્સિપાલ (ભાગ્યશ્રી) સજનીને નોકરીમાંથી કાઢી મૂકે છે, સજનીનો મંગેતર સિદ્ધાંત (સોહમ મજુમદાર) વિડિયો જોઈને સજનીને એલફેલ બોલી નાખે છે. રંગભૂમિના અતિલોકપ્રિય કલાકાર, પણ ઘરપરિવારમાં આપખુદી શાસન ચલાવતા સજનીના પિતા સૂર્યકાંત શિંદે (સુબોધ ભાવે)નો ગુસ્સો તો 12મા આસમાને છે… ચોમેરથી ઘેરાયેલી સજની એક ચિઠ્ઠી લખીને ગાયબ થઈ જાય છે. ચિઠ્ઠીમાં એ પોતાના પિતાને અને મંગેતરને જવાબદાર ઠેરવે છે… શું સજનીનું મર્ડર થયું? કે એણે આત્મહત્યા કરી? કે આ બધાંથી દૂર જતી રહી? સજની-મામલાની તપાસ મહિલા સુરક્ષા દળનાં બેલા બારોટ (નિમ્રત કૌર)ને સોંપવામાં આવે છે. એક પછી એક શકમંદોને મળી એ આ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરે છે. બેલાને નવાઈ એ વાતની લાગે છે કે સજનીના ગુમ થવા કરતાં બધાને પોતાની ઈજ્જતની પડી છે.

મધ્યાંતર પહેલાં ફિલ્મની ગતિ થોડી મંદ છે, ડિરેક્ટરને જાણે કોઈ ઉતાવળ નથી. સજનીનો પરિવાર, એનો મંગેતર, સ્કૂલનાં પ્રિન્સિપાલ તથા અન્ય સ્ટાફની પૂછતાછમાં એક પછી સત્ય ને તથ્ય બહાર આવતાં જાય છે, બેલા અને એના સહાયક રામચંદ્રને કડી મળતી જાય છે. મધ્યાંતર બાદ સિદ્ધાંતના લૉયર (લલિત ગાંધી), સૂર્યકાંત શિંદેના લૉયર (કિરણ કર્મારકર) જેવાં નવાં પાત્ર ઉમેરાય છે, ગતિ તેજ થાય છે અને…

મને ગમી ગયેલી વાતઃ સ્ટ્રોન્ગ ઍક્ટિંગ ડિપાર્ટમેન્ટ. સજની, સિદ્ધાંત, બેલા બારોટનાં પાત્રલેખન. દેશના બીજા પ્રાંતમાંથી પુણે આવેલી બેલા બારોટ બાહોશ અફ્સર હોવા છતાં એને વીમેન’સ સેલમાં નિયુક્ત કરવામાં આવે છે એનો એને ધોખો છે. પુરુષ અફસરની કડકાઈથી એ ઈન્ટરોગેશન કરે છે અને બારીક નિરીક્ષણથી તપાસને એક અલગ લેવલ પર લઈ જાય છે.

-અને સંવાદ. પછી એ સજનીના કૅરેક્ટરનું વર્ણન કરતો ડાયલોગ હોય (“એક પરફેક્ટ બેટી, એક પરફેક્ટ મંગેતર, એક પરફેક્ટ ટીચર”), સ્ત્રી સશક્તિકરણની ઠાલી વાતો કરતી સોશિયલ વર્કરને ઘઘલાવતી બેલા બારોટ હોય (“ઔરત કંઈ આધાર કાર્ડ નથી કે ગમે ત્યાં ચલાવો”)… સજની મિસિંગ કેસના ઈન્વેસ્ટિગેશન માટે બેલાને એક આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રામચંદ્ર પવાર (ચિન્મય માંડલેકર) આપવામાં આવે છે, જેણે પોતાના ફોનમાં બેલાનો નંબર ‘ડુબરમાન મૅડમ’ના નામે સેવ કર્યો છે. બેલાને ખબર પડે છે કે ડિપાર્ટમેન્ટમાં બધા એને આ નામે ઓળખે છે ત્યારે ગુસ્સે થવાને બદલે એ પવારને કહે છેઃ “અલ્યા ઢગા, ડોબરમૅન કહેવાય ડુબરમાન નહીં. સ્પેલિંગ તો સરખો લખ!” હૅવી સબ્જેક્ટ હોવાના લીધે આવા રમૂજના ચમકારા લેખક-દિગ્દર્શકે મૂક્યા છે.

ન ગમેલી વાતઃ ક્લાઈમેક્સ. ફિલ્મના ધી એન્ડથી હું જરા નિરાશ થયો. અપેક્ષા તો એવી હતી કે આવો સનસનાટીભર્યો કેસ સૉલ્વ થાય ત્યારે કંઈ હલબલાવી નાખે એવું બનશે, પણ… ખેર. જેવી રાઈટર-ડિરેક્ટરની મરજી.

આ ફિલ્મ આજના ઘોર સોશિયલ મિડિયા યુગનું વરવું સત્ય રજૂ કરે છે, પણ પોતે કંઈ સ્ટેન્ડ લેતી નથી કે નથી કોઈ ઉપદેશ આપતી. આમાંથી શું બોધપાઠ લેવાનો એ નક્કી પ્રેક્ષકે કરવાનું. જો ‘સજની શિંદે કા વાઈરલ વિડિયો’ને મારે ગુણાંક આપવા હોય તો પાંચમાંથી અઢી આપું અને એક નવા, વિચારોત્તેજક વિષય માટે જોવાની ભલામણ પણ કરું.