નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ પર કાબૂ મેળવવા માટે ઝડપથી રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે કોવિડ રસીકરણ ઝુંબેશમાં એક મહત્ત્વનો બદલાવ કર્યો છે. જેથી એક જુલાઈથી ખાનગી હોસ્પિટલો હવે સીધી રસીકરણ ઉત્પાદકો પાસેથી કોરોનાની રસી નહીં ખરીદી શકે. એમણે હવે કોવિન પર રસીનો ઓર્ડર આપવો પડશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રસીનો માસિક સ્ટોકમર્યાદા નક્કી કરવાનો નિર્ણય લીધો છે.
એક અહેવાલ મુજબ મુંબઈની હોસ્પિટલોમાં મંગળવારે એક એસઓપી એટલે કે સ્ટેન્ડર્ડ ઓપરિંગ ડોક્યુમેન્ટ પહોંચ્યો છે, જે મુજબ ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સરેરાશ કેટલી રસી ખપત થઈ, એનાથી બે ગણા ડોઝ મળશે. ખાનગી હોસ્પિટલોમાં રસી માટે દૈનિક સરેરાશ કાઢવા માટે પોતાની પસંદગીના સપ્તાહની છૂટ હશે. એની માહિતી કોવિન પોર્ટલથી લેવામાં આવશે.
દાખલા તરીકે જો કોઈ ખાનગી રસીકરણ કેન્દ્ર જૂન 10-16 સપ્તાહની પસંદગી કરીને જુલાઈ માટે ઓર્ડર કરે છે, જે દરમ્યાન 630 ડોઝ આપવામાં આવ્યા હતા, તો એ હોસ્પિટલની સરેરાશ દૈનિક ડોઝ 90ની થશે,, જેથી એ ખાનગી હોસ્પિટલ જુલાઈ માટે મહત્તમ 5400 ડોઝનો ઓર્ડર આપી શકશે. એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે પહેલા 15 દિવસો દરમ્યાન રસીની ખપતને આધારે એક મહિનાની મહત્તમ મર્યાદાને બીજા પખવાડિયામાં સંશોધિત કરી શકાશે.
એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી રસીકરણ કેન્દ્ર એક મહિનામાં ચાર હપતામાં રસીના ઓર્ડર આપી શકે છે. વળી કોરોના રસી ખરીદ માટે કોઈ પણ સરકારી મંજૂરી લેવાની જરૂર નથી.