રાયગઢ (છત્તીસગઢ): આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજની જીવલેણ ઘટના પછી છત્તીસગઢ રાજ્યના રાયગઢ જિલ્લામાં એક પેપર મિલમાં ગેસ ગળતની દુર્ઘટના બની છે. આ મિલમાં પણ ગેસ લીક થયો હતો, જેને કારણે ત્યાં કામ કરતા સાત મજૂર બીમાર પડી ગયા છે. રાયગઢ પોલીસે જણાવ્યું હતું કે ત્રણ મજૂરોની હાલત ગંભીર છે. બધા મજૂરોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા મજૂરો મિલમાં એક ટેન્કને સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગેસ લીક થઈ ગયો અને એ લોકો ત્યાંથી નીકળવામાં નિષ્ફળ નીવડ્યા હતા.
આ ઘટના આજે બપોરે બે કલાકે થઈ હતી. તેતલા ગામમાં શક્તિ પેપર મિલમાં આ બનાવ બન્યો હતો. મજૂરો એક ખુલ્લી ટાંકીની અંદર ઉતરી એને સાફ કરતા હતા ત્યારે ગેસ લીક થયો હતો. ખબર પડતાં જ બહાર રહેલા લોકોએ ત્યાંથી ભાગીને જીવ બચાવી લીધો હતો, પણ જે લોકો ટેન્કની અંદર હતા એ લોકો ફસાઈ ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. એ પછી કેટલાક લોકોએ તેમને ત્યાંથી બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ ઘાયલોની હાલત જાણવા માટે રાયગઢના કલેક્ટર અને એસપી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેઓ અસરગ્રસ્તોના પરિવારજનોને પણ મળ્યા હતા.
ત્રણ મજૂરની સ્થિતિ ગંભીર, ચાર જણ ભયમુક્ત
આ ઘટનામાં ત્રણ મજૂરોની હાલત ગંભીર છે, જ્યારે અન્ય ચાર મજૂરો ભયમુક્ત છે. પ્રારંભિક તપાસમાં ક્લોરિન ગેસ લીક થવાની વાત સામે આવી છે. પેપર મિલમાં ક્લોરિન ગેસનો ઉપયોગ ઇન્કની સફાઈ માટે કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ શહેરમાં આજે વહેલી સવારે એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે 11 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 1000 જેટલા લોકો બીમાર પડી ગયા હતા. આરઆર વેંકટપુરમ ગામમાં એલ.જી. પોલીમર કંપનીના કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટનામાં એક બાળક સહિત 11 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.