પ્રયાગરાજમાં ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ગેસ-ગળતરઃ બે અધિકારીનું મોત

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ફૂલપુર ઇફકો પ્લાન્ટમાં મંગળવારે રાત્રે ગંભીર દુર્ઘટના બની હતી. કંપનીના પ્લાન્ટમાંથી એમોનિયા ગેસનું ગળતર થતાં બે અધિકારીઓ વીપી સિંહ અને અભયનંદનનાં મોત થયાં હતાં અને ગેસ લીકેજની ઝપટમાં આવનારા અન્ય પંદર કર્મચારીઓની તબિયત બગડી હતી. આ બધા કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

પ્રયાગરાજના ડીએમ ભાનુચંદ્ર ગોસ્વામીએ આ ઘટનાની માહિતી આપતાં કહ્યું હતું કે ફુલપુર ઇફ્કો (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિ.)ના પી -1 યુનિટમાં મંગળવારે રાત્રે એમોનિયા ગેસ ગળતર શરૂ થયો હતો. ત્યાં હાજર અધિકારી વી.પી.સિંહ લીકેજ અટકાવવા દોડી ગયા હતા, પરંતુ તે ખરાબ રીતે દાઝી ગયા હતા. ત્યાર બાદ પ્લાન્ટના યુનિટને બંધ કરવામાં આવ્યો હતો. ગેસ ગળતર હવે બંધ થયું હતું.

જોકે પહેલાં એમોનિયા ગેસનું ગળતર આખા યુનિટમાં થઈ ગયું હતું અને ત્યાં હાજર 15 કર્મચારીઓ તેમાં ફસાઈ ગયા હતા, જેમાંથી કેટલાક બેભાન થઈ ગયા હતા. આ ઘટના સ્થળે પહોંચેલા નિષ્ણાતોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઇફકોના અધિકારીઓ વી.પી.સિંહ અને અભિનંદનનું મોત નીપજ્યું છે. એસપી ગંગાપર ધવલ જયસ્વાલ, સીઓ રામસાગર, એસડીએમ યુવરાજ સિંહ અને ઇફકો યુનિટના વડા મોહમ્મદ મસૂદ સહિતના ઘણા અધિકારીઓ બચાવ કામગીરીમાં પહોંચી ગયા છે અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઇફકોના જનસપર્ક અધિકારી વિશ્વજિત શ્રીવાસ્તવે ગેસ ગળતરની વાતની પુષ્ટિ કરી હતી.