હીરા બજારમાં મંદીઃ દોઢ લાખ લોકો બેરોજગાર

અમદાવાદઃ લોકડાઉન પછી હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. અમદાવાદમાં બાપુનગર અને નિકોલમાં ચાલી રહેલાં 600  જેટલાં મોટાં કારખાનાંમાંથી 40 ટકા કારખાનાઓ એક વર્ષમાં બંધ થયાં છે. જેથી આ કારખાનાંઓમાં કામ કરતા પાંચ લાખ લોકોમાંથી દોઢ લાખ લોકો બેકાર બન્યા છે, જ્યારે 50,000થી વધુ લોકો અન્ય રોજગારી તરફ વળ્યા છે. બીજી બાજુ, ડોલર સામે રૂપિયો તળિયે બેસી જતાં હીરા ઉદ્યોગની માઠી દશા બેઠી છે. 

વળી, જે લોકો કારખાનામાં જાય છે તેમની મહિનાની રોજગારી અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. આ અંગે હીરાના કારખાનાના મેનેજર અરવિંદ પટેલે કહ્યું હતું કે લોકડાઉન પછી કાચો માલ ઓછો આવતો હતો પહેલાં કરતાં રોજગારી પણ ઓછી છે જેથી કારીગરો બીજી રોજગારી તરફ પણ વળ્યા છે. લોકડાઉનમાં લાંબો સમય ઘરે બેસવાનો વારો આવતાં બેરોજગારીને કારણે અન્ય રોજગાર તરફ કારીગરો વળ્યા, મોટા વેપારીઓ પાસે વચેટિયાઓ કમિશન લઈને કારખાનાને કામ આપે છે. જેથી ખર્ચ વધે છે માર્કેટમાં યોગ્ય વળતર નહીં, જીએસટી બિલનો ખર્ચ વધી જાય છે, મજૂરી વધારે અને વળતર ઓછું છે.

બાપુનગરના હીરાના કારીગર રસિક મામનપરાએ કહ્યું હતું કે હવે શરૂ થયું છે તો 20ની જગ્યાએ 10થી 12 હજાર રૂપિયા મહિને માંડ મળે છે. કારીગરોનું શોષણ થઈ રહ્યું છે. વળી, વેપારીઓ દ્વારા ઊંચા ભાવે ખરીદાયેલા રફ હીરા અને હાલમાં ૭૪ રૂપિયે પહોંચેલી ડોલરની કિંમતને લઇને વેપારીઓએ ભારે નુકસાન ભોગવવું પડે છે. ગુજરાતમાં છેલ્લા છ માસની અંદર જ ૪૦ ટકા હીરાના કારખાના બંધ થઇ ગયા છે.