કર્ણાટકમાં બે જૂથો વચ્ચે ધોળેદહાડે ગેન્ગવોર, વિડિયો વાઇરલ…

બેંગલુરુઃ બદમાશોની વચ્ચે ગેન્ગવોરનો વિડિયો સામે આવ્યો છે. તેમણે કારને હાઇવે પર ઊભી રાખી હતી અને એકમેકની ગેન્ગના સભ્યોના જીવ લેવા પ્રયાસ કર્યા હતા. કર્ણાટકમાં કાયદો-વ્યવસ્થાની પોલ ખોલતો આ વિડિયો ભાજપે શેર કર્યો છે.

આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બે જૂથો વચ્ચે ગેન્ગવોર ચાલી રહી છે, જેમાં એક કાર સામેથી આવે છે અને ત્યાં ઊભેલી બીજી કારને ટક્કર મારી દે છે. બંને કારોમાંથી ગુંડાઓ બહાર નીકળે છે અને એકમેક પર હુમલા શરૂ કરી દે છે. બંને જૂથોના લોકો એકમેકના લોહીના પ્યાસા સ્પષ્ટ નજરે ચઢી રહ્યા છે.

ગેન્ગવોરનો આ વિડિયો 18 મેનો બતાવવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ આ ગેન્ગવોર ઉડુપી અને મણિપાલની વચ્ચે નેશનલ હાઇવેનો છે. કર્ણાટકમાં કાયદો-વ્યવસ્થાની પોલ ખોલતો આ વિડિયો પર ભાજપે ટોણો મારતાં કહ્યું હતું કે આને ‘કર્ણાટક મોડલ’ કહેવાય.

આ વિડિયો પોસ્ટ કરતાં ભાજપે કહ્યું હતું કે ગેન્ગવોર, યુવતીઓ પર બળાત્કાર, મારપીટ, હત્યા, બોમ્બ વિસ્ફોટ, ગાંજા, અફીણ, રેવ પાર્ટીઓ, પાકિસ્તાન જિંદાબાદનો સૂત્રોચ્ચાર- આ બધું કોંગ્રેસ વહીવટી તંત્રમાં સામાન્ય બાબત છે. સરકાર દ્વારા પોલીસને ખુલ્લી છૂટ આપવાતી અને કઠપૂતળી બનાવી રાખવાનું પરિણામ આજે અરાજકતાનો માહોલ છે આ કર્ણાટક મોડલ છે, જે કોંગ્રેસ દેશને બતાવી રહી છે.

કર્ણાટકમાં કાયદો વ્યવસ્થાની ખરાબ સ્થિતિ માટે સિદ્ધારમૈયા સકારના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવતાં કહ્યું હતું કે રાજ્ય માદક પદાર્થો અને રેવ પાર્ટીઓનો અડ્ડો બનતી જઈ રહી છે. ભાજપે એના માટે ‘ઊડતા બેંગલુરુ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.