વારાણસીઃ અવધેશરાય હત્યાકાંડ મામલામાં માફિયા મુખ્તાર અન્સારીને વારાણસીની MP-MLA કોર્ટે આજીવન કેદની સજા સંભળવાની છે. કોર્ટે તેમના પર રૂ. એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. ત્રીજી ઓગસ્ટ, 1991એ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અજય રાયના ભાઈ અવધેશ રાયની ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુખ્તાર અન્સારીએ જ્યારે આ ઘટનાને અન્જામ આપ્યો, ત્યારે તેઓ વિધાનસભ્ય નહોતા. આ હત્યા પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે બપોરે એક કલાકે ધોળેદહાડે કરવામાં આવી હતી. આ હત્યા પછી વિસ્તારમાં ભયનો માહોલ હતો.
32 વર્ષ પહેલાં ચર્ચિત અવધેશ રાય હત્યાકાંડનો મામલો દેશભરમાં ખૂબ ચગ્યો હતો. હથિયારબંધ હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને અવધેશ રાયને મોતને ઘાટ ઊતાર્યા હતા. મૃતકના ભાઈ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અજય રાયે મુખ્તાર અન્સારી, ભૂતપૂર્વ વિધાનસભ્ય અબ્દુલ કલામ, રાકેશ સહિત પાંચ લોકોની સામે કેસ નોંધાવ્યો હતો. ત્યાર બાદ એની તપાસ CBCIDને સોંપવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમ્યાન જૂન, 2022એ માલૂમ પડ્યું હતું કે આ મામલાની કેસની ડાયરી ગાયબ થઈ ગઈ છે.
આ કોર્ટનો ચુકાદો આવ્યા પછી અજય રાયે કહ્યું હતું કે હું ઘણા સમયથી ચુકાદાની રાહ જોઈ રહ્યો હતો. આ લાંબી લડતમાં સચ્ચાઈની જીત થઈ છે. એના માટે કોર્ટનો હું આભાર વ્યક્ત કરું છું. તેમણે તેમના જીવને જોખમ હોવાની વાત કરી હતી અને સરકાર પાસેથી સુરક્ષાની માગ કરી હતી, પણ તેમને પર્યાપ્ત સુરક્ષા નહોતી આપવામાં આવી.