નવી દિલ્હીઃ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખીને લાઇફ ઇન્શ્યોરન્સ અને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને પરત ખેંચવાની માગ કરી છે. આ જીવનની અનિશ્ચિતતા પર ટેક્સ લગાવવા જેવું છે અને સેક્ટરના ગ્રોથ પર એની અસર પડશે, એમ તેમણે કહ્યું હતું.
ગડકરીએ 28 જુલાઈએ લખેલા પત્રમાં કહ્યું હતું કે તમને વિનંતી છે કે લાઇફ અને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર GST દૂર કરવાના સૂચન પર પ્રાથમિકતાથી ધ્યાન આપો, કેમ કે એનાથી સિનિયર સિટિઝન પણ પ્રભાવિત થશે. લાઇફ અને મેડિકલ ઇન્શ્યોરન્સ પીરમિયમ-બંને પર 18 ટકા GST લાગે છે.નાણાપ્રધાનને લખેલા પત્રમાં ગડકરીએ કહ્યું હતું કે નાગપુર મંડલ જીવન વીમા નિગમ કર્મચારી સંઘે આ મુદ્દાઓ પર તેમને એક જાહેરાત સોંપી છે. એમાં તેમણે કહ્યું હતું કે લાઇફ એન્ડ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા GST લગાવવો એ જિંદગીની અનિશ્ચિતતાઓ પર કર લગાવવા જેવો છે.
યુનિયનનું માનવું છે કે જે વ્યક્તિ પરિવારને જીવનની અનિશ્ચિતતાઓથી સુરક્ષા આપવા માટે જીવન વીમા કવચ લે છે, એના પર એના જોખમથી બચાવ માટે કવરના પ્રીમિયમ પર ટેક્સ નહીં લગાવવો જોઈએ. ટેક્સ પર નિર્ણય લેતી GST કાઉન્સિલની બેઠક ઓગસ્ટમાં થવાની છે. એની છેલ્લી બેઠક 22 જૂને થઈ હતી. તેમણે એ સાથે-સાથે સામાન્ય વીમા કંપનીઓના એકીકરણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
આ પહેલાં જૂનમાં કોન્ફેડરેશન ઓફ જનરલ ઇન્શ્યોરન્સ એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ પણ વ્યક્તિગત મેડિકલ પોલિસીઝ પરથી GST 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની અપીલ કરી હતી.