ફેક ન્યૂઝ ફેલાવવા સોશિયલ-મિડિયાનો ભરપૂર ઉપયોગઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ જો તમે યુટ્યુબ પર જશો તો તમને માલૂમ પડશે કે ફેક ન્યૂઝ સરળતાથી ફરી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ યુટ્યુબ પર કોઈ પણ જાતના ન્યૂઝ વહેતા કરી શકે, એમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જસ્ટિસ સૂર્યકાંત અને એએસ બોપન્નાની ખંડપીઠે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે મિડિયાનો એક વર્ગ સમાચારાનો સાંપ્રદાયિક રંગ આપવામાં જોતરાયેલો છે, એનાથી દેશનું નામ ખરાબ થાય છે. એપેક્સ કોર્ટે વેબ પોર્ટલો સહિત સોશિયલ મિડિયા અને યુટ્યુબ પર ફેક ન્યૂઝ અને રિપોર્ટને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે એ માત્ર શક્તિશાળીઓનું સાંભળે છે, જજો અને સંસ્થાઓનું નહીં. કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે સરકાર આવા ફેક ન્યૂઝ અને રિપોર્ટો ચલાવતા વેબ પોર્ટલો અને અન્ય સંગઠનો પર જવાબદારી નક્કી કરવા માટે વાસ્તવમાં ગંભીર છે.  

ચીફ જસ્ટિસ એનવી રમણની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે કહ્યું હતું કે સોશિયલ મિડિયા કંપની જેવી કે ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ ક્યારેય તેમને જવાબ નથી આપતી  અને વેબ પોર્ટલો અને યુટ્યુબ પર ફેક ન્યૂઝને લઈને કોઈ નિયંત્રણ નથી.

વળી, તેમણે કહ્યું હતું કે સોશિયલ મિડિયા પર જજો માટે અને સંસ્થાઓ માટે મનમાની લખાણ લખાય છે, જે માટે કોઈ જવાબદારી નક્કી નથી થતી, તેઓ કહે છે એ અમારો અધિકાર છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જવાબ આપ્યો હતો કે નવા IT  સોશિયલ અને ડિજિટલ મિડિયાને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યા છે અને સોશિયલ પ્લેટફોર્મને નિયંત્રિત કરવાના પ્રયાસ જારી છે.