રામમંદિર નિર્માણ માટે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ નું ગઠન થશે

નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટના અંતિમ ચૂકાદાના 88 દિવસ પછી કેન્દ્ર સરકારે રામ મંદિર બનાવવા માટે નવા ટ્રસ્ટની જાહેરાત કરી દીધી છે. જેમાં 15 સભ્યો હશે. દિલ્હી ચૂંટણીના ત્રણ દિવસ પહેલા અને કેબિનેટના નિર્ણય પછી તુરંત જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, ‘મને આજે આ ગૃહને, દેશને જણાવતા ખુશી થઈ રહી છે કે કેબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. કેબિનેટની બેઠકમાં રામ મંદિરના ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રસ્ટનું નામ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર રાખવામાં આવ્યું છે. રામ મંદિરના નિર્માણ અને તે અંગેના નિર્ણયો લેવા માટે ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે. આ સાથે જ કેન્દ્ર સરકારે તેમના નેજા હેઠળની 67.703 એકર જમીન પણ ટ્રસ્ટને સોંપી દીધી છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે, અમે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવાની અપીલ કરી હતી, જેને ઉત્તરપ્રદેશ સરકારે સ્વીકારી લીધી છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું છે કે તમામ ધર્મના લોકો એક જ છે. પરિવારના તમામ સદસ્યો ખુશ રહે એ માટે જ સબકા સાથ સબકા વિશ્વાસના મંત્રને આધારે સરકાર કામગીરી કરી રહી છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે એક સ્વરમાં તમામ પોતાનો મત રજૂ કરે. રામ મંદિર ટ્રસ્ટમાં દિગંબર અખાડા, નિર્મોહી અખાડા, રામલલ્લા વિરાજમાનના ત્રણ સદસ્યોમાંથી એકનો સમાવેશ સરકાર કરી શકે છે. મોદી સરકાર આ ટ્રસ્ટથી સરકારને અલગ રાખવા માગે છે એટલે સરકારી અધિકારીઓને આ ટ્રસ્ટમાં જગ્યા મળશે નહીં. જોકે, પૂર્વ સરકારી અધિકારી આ ટ્રસ્ટમાં સામેલ થઈ શકે છે.

મોદી સરકાર જે 67.7 એકર જમીન ટ્રસ્ટને આપી રહી છે તેને નરસિંહા રાવ સરકારે અધિગ્રહિત કરી હતી. 1991થી 1993ની વચ્ચે કેન્દ્રની તત્કાલિન પીવી નરસિંહા રાવની સરકારે વિવાદિત સ્થળ અને તેની આસપાસની લગભગ 67.7 એકર જમીનનું અધિગ્રહણ કર્યું હતું. 0.313 એકર જમીન પર બાબરી મસ્જિદનો ઢાંચો હતો. આ સાથે કુલ 2.77 એકર જમીન પર વિવાદ હતો. 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટોનો નિર્ણય આ 2.77 એકર જમીન પર આવ્યો હતો. બાકીની જમીન પર વિવાદ ન હતો. એટલા માટે એ જમીન પર કેન્દ્ર સરકારનું જ નિયંત્રણ છે.

મસ્જિદ: રોનાહીના ધાનીપુરમાં મસ્જિદ માટે જમીન ફાળવાશે

સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ માટે 5 એકર જમીન લખનૌના સોહાવાલ તાલુકાના ધાનીપુર ગામમાં આપવામાં આવશે. આ જમીન જિલ્લા કાર્યાલયથી માત્ર 18 કિલોમીટરના અંતર પર છે. કેન્દ્ર સરકાર હવે આ પ્રસ્તાવને મંજૂરી માટે સુપ્રીમ કોર્ટને મોકલશે.

ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના અંતિમ ચૂકાદાને પડકાર આપતા 18 રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી, જેને 12 ડિસેમ્બરના રોજ ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે ફગાવી દીધી હતી. ત્યારપછી 21 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશની પીસ પાર્ટી ઓફ ઈન્ડિયાએ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી જે હજું સુપ્રીમમાં લંબિત છે.