મતદારોને ફ્રીમાં રેવડીઓઃ રાજ્યો વધુ લોન લેવા મજબૂર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને અપેક્ષા છે કે મોટા ભાગની રાજ્ય સરકારો નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે બજારમાંથી ઉધાર લેશે. રાજ્ય સરકારો વર્ષ 2023-24માં વિના કોઈ શરતે 3.5 ટકા સુધી ઉધાર લેવાની લિમિટનો ઉપયોગ કરી શકે છે. રાજ્ય સરકારો મતદારોને આકર્ષવા માટે અનેક ચીજવસ્તુઓને મફતમાં આપવાનાં ચૂંટણી વચનો આપે છે. સ્ટેટ ડેવલપમેન્ટ લોનનો ઉપયોગ કરવામાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને પંજાબ સૌથી આગળ રહેવાની અપેક્ષા છે.FY23માં રાજ્યોએ લીધી 7.58 લાખ કરોડની લોન

પાછલા નાણાકીય વર્ષમાં રાજ્યોએ આશરે રૂ. 7.58 લાખ કરોડ ઉધાર લીધા છે. એ વર્ષ 2021-22ના રૂ. 7.01 લાખ કરોડથી વધુ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ઇકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના એક અહેવાલ મુજબ વર્ષ 2023-24માં રાજ્ય સરકારો બજારમાંથી રૂ. 8.2 લાખ કરોડ ઉધાર લે એવી શક્યતા છે. રાજ્ય સરકારો જોકે આ ઉધારી માટે કેન્દ્રથી મળનારા GSTના વળતર પર નિર્ભર છે.

એપ્રિલ-ઓગસ્ટ સુધી રાજ્યોની ઉધારી

આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ (28 ઓગસ્ટ) સુધી રાજ્યોએ રૂ. 2.72 લાખ કરોડ ઉધાર લીધા છે, જે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છમાસિકમાં નક્કી કરેલી રૂ. 4.37 લાખ કરોડની રકમ કરતાં ઓછા છે. જોકે રાજ્ય સરકારો નાબાર્ડ પાસેથી પણ ઉધાર લઈ રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર નાણાકીય પંચની સલાહને ધ્યાનમાં રાખતાં સતત રાજ્યોની ઉધાર લેવાની મર્યાદા ઘટાડી રહી છે. કેન્દ્રએ વર્ષ 2021-22માં રાજ્યોની ઉધાર લેવાની લિમિટ વધારીને પાંચ ટકા કરી હતી, પરંતુ આ નાણાકીય વર્ષમાં એને ઘટાડીને 3.5 ટકા કરી દીધી છે.