એક રક્ષાબંધન આવી પણ..

‘બહેનાને ભાઈ કલાઈ પે, પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે, સંસાર બાંધા હૈ, રેશમ કી ડોરી સે..સંસાર બાંધા હૈ,’ રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર.

રક્ષાબંધનનો  દિવસ ભાઈ-બહેન માટે ખાસ હોય છે. પરંતુ જે બહેનોને ભાઈ જ ન હોય તો.. ? આ બહેનો માટે પણ હવે આ તહેવાર વિશેષ બની રહ્યો છે. બે બહેનો એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરે છે.

ભગવાને મને સંસારની બધીય ખુશીયો આપી દીધી

દીદી, આ વખતે તું મને રાખડી બાંધીશને, ત્યારે હું તને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ. કાલીઘેલી ભાષામાં વાત કરતા અનાયા પોતાનાથી 12 વર્ષ મોટી બહેન વ્રિતીકા પાસે બેઠી. વ્રિતીકાએ કહ્યું તું મને ગિફ્ટ કે સરપ્રાઈઝ નહીં આપે તો પણ ચાલશે. કારણ કે મારી માટે તો સૌથી મોટી સરપ્રાઈઝ તું જ છું. તને ખબર છે અનાયા જ્યારે હું નાની હતીને ત્યારે ભગવાન પાસે હંમેશા ભાઈ માંગતી, પણ ભગવાને ભાઈની જગ્યાએ તને મોકલી. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વ્રિતીકા પૂર્વેશ અગ્રવાલ કહે છે, જયારે પણ રક્ષાબંધન આવે ત્યારે હું મારા કઝીન ભાઈને રાખડી બાંધતી, મને સારું લાગતું પણ મનમાં થતું કે કાશ મારે પણ એક ભાઈ હોય તો કેવું સારું. પણ ઈશ્વરે બહેન આપી, છતાં મને આનંદ થયો. ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે ભાઈ નહીં તો હું મારી બહેનને રાખડી બાંધીશ. અને એની રક્ષા કરીશ, ક્યારેય એને તકલીફ નહીં પડવા દઉં.  હું ખૂબ જ ખુશ છું. મારી અનાયા ડોલ જેવી છે. નાની છે પણ મારી બધી વાત માને છે. મને તો એમ લાગે છે કે ભગવાને જાણે કે મને સંસારની બધીય ખુશીયો આપી દીધી. મારી માટે રક્ષાબંધન ખુબ જ વિશેષ છે.

બંને બહેનો ભાઈ બહેનના સબંધમાં અનોખી રીતે બંધાઈ ગયા

રક્ષાબંધનના પ્રેમને ઉજાગર કરતી એક જુદી જ વાત છે. મૂળ ગુજરાતની અને હાલ કેનેડામાં રહેતી બે બહેનો હીરલ કવિ અને ભૂમિકા બારોટ નામની બે બહેનોની. હીરલ-ભૂમિકા, પોતાના મમ્મી-પપ્પા અને ભાઈ સાથે નડિયાદમાં રહેતા. સુખી પરિવાર પરંતુ ઇશ્વરને કઈંક જુદુ જ મંજુર હશે માટે બે બહેનોના એકના એક ભાઈ મિતેષ બારોટનું અકસ્માતમાં મુત્યું થયું. મોટી બહેન હિરલ ખુબ ભાંગી પડી. એ સમયે ભૂમિકાએ પરિવાર અને બહેનને લાગમી સાથે સાચવ્યાં. પણ જયારે ભાઈના ગયા પછી પ્રથમ રક્ષાબંધન આવી ત્યારે હીરલ માટે કપરો સમય હતો. પરંતુ ભૂમિકાએ ભાઈ બનીને બહેન આગળ હાથ લંબાવ્યો અને કહ્યું કે હું ક્યારેય ભાઈની જગ્યા તો નહીં લઈ શકું, પણ પ્રયત્ન કરીશ કે તને ભાઈની કમી મહેસૂસ ન થાય. બસ એ દિવસથી આ બંને બહેનો ભાઈ બહેનના સબંધમાં અનોખી રીતે બંધાઈ ગયા. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા હિરલ-ભૂમિકા કહે છે, અમારા ભાઈ મિતેશેની જગ્યા તો કોઈ લઈ ન શકે, પરંતુ અમે બંને બહેનોએ હકીકતને સ્વીકારી લીધી છે. ભાઈની યાદો હંમેશા દિલમાં જીવંત રહેશે. બંને બહેનો પોતાના પતિ અને સંતાનો સાથે કેનેડામાં રહેશે. માતા-પિતા માટે પણ દિકરાની ફરજ અદા કરે છે. અને રક્ષાબંધનની અનોખી ઉજવણી પણ કરે છે.

માલે નાનો-નાનો ભઈલો આવ્યો..

આઠ વર્ષની ઝહા રક્ષાબંધનને લઈને ખુબ જ ખુશ છે, બહેન ન્યારાને સરપ્રાઈઝ આપવા માટે તૈયારીઓ કરી રહી છે. ઝહા અને ન્યારાની માતા વૈશાલી પ્રશાંત રાઠોડ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, ઝહા માટે ન્યારા એનું વિશ્વ છે, એવું વિશ્વ જેની અંદર એની દરેક ખુશીઓ રહેલી છે. જ્યારે ન્યારાનો જન્મ થયો ત્યારે ઝહા માત્ર ત્રણ વર્ષની જ હતી. પરંતુ આખીય હોસ્પિટલ માથે લીધી હતી, બધાને કહેતી માલે નાનો નાનો ભઈલો આવ્યો, કોઈએ કહ્યું પણ ખરા કે બેટા ભઈલો નહીં બહેન આવી છે. તો મારી નાનકડી ઝહાએ કહ્યું માલા માટે તો એ ભઈલો જ છે. હવે હું મારા ભઈલાને જ રાખડી બાંધીશ. પહેલી રક્ષાબંધને ઝહાએ ન્યારાને રાખડી તો બાંધી સાથે પ્રોમીસ પણ કરી કે ન્યારા હું હંમેશા તારી સાથે રહીશ અને તારી રક્ષા પણ કરીશ. અમે વિચારતા જ રહ્યાં કે આ બહેન છે કે ભાઈ. આજે તો ઝહા 8 વર્ષની થઈ ગઇ છે અને ન્યારા 5 વર્ષની છે. બંને બહેનોમાં જુદો જ પ્રેમ છે. રક્ષાબંધનના દિવસે અમારું ઘર ખુશીઓથી ભરાઈ જાય છે.

હવે આપણે રક્ષાબંધનની આ પરંપરાને પણ ગરિમાપૂર્વક અપનાવીએ. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો જ નહીં, પણ એકબીજા પ્રત્યે સાચી ફરજ નિભાવવાનો પણ તહેવાર છે.

હેતલ રાવ