નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય અમર સિંહનું નિધન થયું છે. તેઓ 64 વર્ષના હતા. તેમણે સિંગાપોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ ઘણા દિવસથી બીમાર હતા. તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ હતી. તેઓ છેલ્લા દોઢ મહિનાથી ICUમાં હતા.
વર્ષ 2013માં અમર સિંહની કિડની ખરાબ થઈ હતી. તેઓ બીમાર હોવા છતાં પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટમાં સક્રિય હતા. તેમણે બકરી ઇદની શુભકામનાઓ આપી હતી. તેમણે લખ્યું હતું કે ઈદ-ઉલ-અજહાના અભિનંદન. આવો આ દિવસને પ્રેમ અને ખુશી વહેંચીને મનાવીએ.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કર્યું
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે અમર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાજનાથે સિંહે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે વરિષ્ઠ નેતા અને સંસદસભ્ય અમરસિંહના નિધનથી દુઃખ થાય છે. જાહેર જીવનમાં તેમણે બધા પક્ષોની સાથે મિત્રતા હતી. તેઓ સ્વભાવે વિનોદી અને હંમેશા ઊર્જાવાન રહેતા અમરસિંહજીને ઈશ્વર તેમનાં ચરણોમાં સ્થાન આપે. તેમના શોકાતુર પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ.
યુપીના રાજકારણમાં આશરે બે દાયકાની સફર
પાંચ જુલાઈએ અમર સિંહે રાજ્યસભાનું સભ્યપદ મેળવ્યું હતું. તેમની ઉત્તર પ્રદેશના રાજકારણમાં આશરે બે દાયકાઓ સુધી સફર રહી. એક વખત તેઓ સમાજવાદી પાર્ટીના સૌથી વધુ અસરકારકક નેતા હતા. તેમને મુલાયમ સિંહના સૌથી નજીકના માનવામાં આવતા હતા. તેઓ પાર્ટીના મહા સચિવ હતા, પણ સમાજવાદી પાર્ટીનું સુકાન અખિલેશ યાદવના હાથમાં ગયા પછી તેઓ સમાજવાદી પાર્ટીથી અંતર રાખતા હતા.
