અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની ભવ્ય તૈયારીઓ

અયોધ્યાઃ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે શ્રીરામ મંદિરના ભૂમિપૂજનને લઈને ઉત્સાહ ચરમસીમાએ છે. રામનગરી સંપૂર્ણ રીતે સજ્જ છે. અયોધ્યાના રૂપરંગ બદલાઈ ચૂક્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને સુરક્ષા-વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પ્રસાદ માટે લાડુઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

અયોધ્યાને ભવ્ય રીતે સજાવવામાં આવી રહી છે. અયોધ્યાના પ્રવેશદ્વારને ભવ્ય રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. અયોધ્યાને વિકસિત કરવા માટે તૈયાર કરવામાં આવેલી યોજના અનુસાર શહેરના પ્રવેશદ્વારને વિકસિત કરવામાં આવી રહ્યાં છે.  

રામ મંદિર માટે પાંચ ઓગસ્ટે થઈ રહેલા ભૂમિપૂજન સમારોહના સ્વાગતમાં એક જ રંગમાં અયોધ્યાના ભવનને તૈયાર કરવામાં આવી રહ્યા છે. યુગો પૂર્વે ભગવાન રામના જન્મની સ્મૃતિના ઉલ્લાસને જીવંત કરી રહ્યા છે. આ ઉલ્લાસમાં સામેલ હનુમાનગઢી ચાર રસ્તાથી રામ જન્મભૂમિના માર્ગ અને એના કિનારાને પીળા રંગથી રંગવામાં આવી રહ્યો છે.  

અયોધ્યામાં દિવાળી જેવો માહોલ

અયોધ્યા શહેરને દિવાળીના ઉત્સવની જેમ સજાવવામાં આવી રહ્યું છે. અનેક જગ્યાએ રામના જીવન સાથે જોડાયેલી કિવદંતીઓનાં ચિત્રો બનાવવામાં આવ્યા છે. ફ્લાયઓવર પાર્ક અને તમામ જગ્યાએ મરામત અને રંગરોગાન કરવામાં આવી રહ્યાં છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે ત્રણ દિવસ સુધી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ રહેશે. લોકો ઘરમાં પણ દીવા કરીને દિવાળી મનાવશે. આ સાથે દરેક મંદિર અને મઠમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.  

રામલલાના પરિધાન

રામલલાને વિશેષ શણગાર કરવામાં આવશે. તેમના પરિધાન લીલા રંગથી તૈયાર થશે. રામ પરિવારને લીલાં વસ્ત્ર, તેમના પડદા, ચાદર, તકિયા અને રજાઈ બધું જ લીલા રંગનું હશે, કેમ કે પાંચ ઓગસ્ટે બુધવારે છે અને બુધવારનો રંગ લીલો માનવામાં આવે છે.

ભૂમિપૂજન પછી પ્રસાદ વિતરણ

શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણના ભૂમિકપૂજન પછી પ્રસાદ વિતરણની પણ જોરદાર તૈયારી થઈ રહી છે. રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ શરૂ થવાની ખુશીમાં જથ્થાબંધ લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પવિત્ર જળ અને માટી

વિશ્વ હિન્દુ પરિષદ કાર્યલાયથી તીર્થરાજ પ્રયાગ અને અન્ય જિલ્લાઓમાંથી એકત્રિત જળ અને માટીને લઈને રામ મંદિર નિર્માણમાં ભૂમિપૂજન માટે વિહિપના કાર્યકરો અયોધ્યાના રવાના થયા હતા.