નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજનીતિના “મહારાજ” કહેવાતા જ્યોતિરાદિત્ય સિંધિયા આખરે આજે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ભાજપનું સભ્ય પદ સ્વીકાર્યું. કોંગ્રેસમાં ક્યારેક રાહુલ ગાંધીના નજીકના રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના દિવસે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. બાદમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પાર્ટી છોડી હતી. ભાજપ જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભામાં મોકલે તેવી શક્યતાઓ છે.
ભાજપનું સભ્યપદ સ્વિકાર્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, મારા જીવનમાં બે તારીખો ખૂબ મહત્વપૂર્ણ છે, એક એ કે જ્યારે 30 ડિસેમ્બર 2001 ના રોજ મેં મારા પિતાજી ગુમાવ્યા હતા તે મારા જીવનમાં બદલાવનો એક દિવસ હતો. અને બીજી તારીખ 10 માર્ચ 2020 હતી કે જે તેમની 75 મી વર્ષગાંઠ હતી. આ દિવસે મેં એક નવો નિર્ણય કર્યો.
સિંધિયાએ કહ્યું કે, મેં હંમેશા માન્યું છે કે અમારું લક્ષ્ય જનસેવા જ હોવું જોઈએ. રાજનીતિ માત્ર એ લક્ષ્યને પૂર્ણ કરવાનું માધ્યમ હોવું જોઈએ, બીજું કંઈ જ નહી. સિંધિયાએ કહ્યું કે આજની કોંગ્રેસ પહેલા જેવી રહી નથી. મધ્યપ્રદેશ સરકારમાં અત્યારે ટ્રાન્સફર ઉદ્યોગ ચાલી રહ્યો છે.
સિંધિયાએ ભાજપના ભરપેટ વખાણ કર્યા અને સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે રાજ્યમાં રેત માફિયાઓ બેફામ બન્યા છે, મધ્યપ્રદેશમાં અત્યારે ભ્રષ્ટાચાર ચારેય બાજુ ખદબદી રહ્યો છે અને રાજ્યનો યુવાન હતાશ છે. તેમણે જણાવ્યું કે, 18 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાનો વાયદો કોંગ્રેસ 18 મહિના બાદ પણ પૂરો કરી શકી નથી.