નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આજે સવારે 11 વાગ્યે સંસદમાં વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની બીજી મુદતનું આ આખરી સંપૂર્ણસ્તરનું બજેટ છે. આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે એટલે આવતા વર્ષના ફેબ્રુઆરીમાં મોદી સરકાર પરંપરા મુજબ સંપૂર્ણ બજેટ રજૂ નહીં કરે અને એને બદલે વચગાળાનું બજેટ રજૂ કરશે. ત્યારબાદ જે નવી સરકાર રચાશે તે સંપૂર્ણ સ્તરનું બજેટ રજૂ કરશે.
આ વખતના બજેટમાં રાહતો મળે એવી સામાન્ય નાગરિકોને અપેક્ષા છે. એવી જ રીતે, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના ટોચના આગેવાનોએ પણ પોતપોતાની માગણીઓ અને સૂચનો સરકારને સુપરત કરી દીધાં હતાં. નિષ્ણાતોનું માનવું છે કે નાણાં પ્રધાન સીતારામને હોમ લોનના દર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સસ્તી કિંમતવાળા હાઉસિંગનું સેગ્મેન્ટ, જેની મહત્તમ મર્યાદા રૂ. 45 લાખ છે, તેને રૂ. 60-75 લાખ કરવી જોઈએ, કારણ કે આજકાલ મેટ્રો શહેરો તેમજ 2-ટાયર શહેરોમાં ઘર ખરીદીનો સરેરાશ ખર્ચ આટલો થાય છે.
હિરાનંદાની ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર નિરંજન હિરાનંદાનીનું કહેવું છે કે રસ્તાઓ, રેલવે, બંદરગાહ, એરપોર્ટ, હાઈવે યોજનાઓ તેમજ ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાઓ વધારે મૂડીરોકાણ કરવા પર બજેટમાં ભાર મૂકવો જોઈએ.
કોરોનાવાઈરસ મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે છેલ્લા બે વર્ષના બજેટમાં તો દેશના હેલ્થકેર સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ વખતના બજેટમાં સરકારે હાલની તેમજ નવી, બંને પ્રકારની આરોગ્યસેવા યોજનાઓ માટે કરવેરાની સવલતો મારફત ઓછા ખર્ચવાળા આર્થિક ભંડોળની જરૂર છે. સરકારે રી-ઈન્વેસ્ટમેન્ટ ટેકા તરીકે, નવી યોજનાઓ માટે 15 વર્ષ સુધીની કરમાફી સવલત પૂરી પાડવી જોઈએ અને હાલના પ્રોજેક્ટો માટે 10 વર્ષની કરવેરામાં રાહત આપવી જોઈએ.