સુપ્રીમ કોર્ટ આપશે ચાર દિવસમાં આ પાંચ ચુકાદા

નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ, સબરીમાલા મંદિર મહિલા પ્રવેશ મામલો, રફાલ લડાકૂ વિમાન ડીલ, રાહુલ ગાંધી વિરુદ્ધ અવમાનના કેસ, અને ભારતના મુખ્ય ન્યાયધીશની ઓફિસમાં સૂચનાનો અધિકાર લાગૂ કરવાનો મુદ્દો આ પાંચ એવા જ્વલંત મામલા છે જેના પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે. આ પાંચ એવા મામલા છે જેનો દેશ પર મોટો પ્રભાવ જોવા મળી શકે છે. આ પાંચ મામલાની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પીઠે કરી છે. જેથી હવે જો સુપ્રીમ કોર્ટની રજાઓને બાદ કરીએ જસ્ટિસ રંજન ગોગોઈ પાસે આ મામલાઓ પર ચૂકાદો આપવા માટે માત્ર 4 કાર્યકારી દિવસો બાકી છે. કારણ કે, 17 નવેમ્બરે રંજન ગોગોઈ નિવૃત થઈ રહ્યા છે.

આમ તો, CJI રંજન ગોગોઈની સેવાનિવૃતિમાં હજુ કુલ 11 દિવસો બાકી છે, પણ સુપ્રીમ કોર્ટની યાદી મુજબ ગુરુવારે એટલે કે, આજે ઉપરયુક્ત કોઈપણ મામલામાં ચૂકાદો નથી સંભળાવવાનો જેથી આ મુદ્દાઓ પર ચૂકાદો આપવા માટે માત્ર 4 કાર્યકારી દિવસો બચ્યા છે. જોકે, એવું જરૂરી નથી કે, સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ કે મુખ્ય ન્યાયધીશ કામકાજના દિવસે જ સુનાવણી કરે કે ચૂકાદો આપે પણ સામન્ય રીતે કોર્ટ કામકાજના દિવસે જ નિર્ણય સંભળાવે છે.

પ્રથમ મહત્વનો નિર્ણય: અયોધ્યા મામલો

સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે બંન્ને પક્ષ તરફથી સુનાવણી પૂર્ણ કરીને ગત 16 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની પીઠે 40 દિવસની મેરાથન સુનાવણી પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

બીજો મહત્વનો નિર્ણય: સીજેઆઈની ઓફિસમાં આરટીઆઈ

બીજો મહત્વનો નિર્ણય ભારતના મુખ્ય ન્યાયધીશની ઓફિસ આરટીઆઈ હેઠળ આવશે કે નહીં. આ મામલે નિર્ણય સુરક્ષિત રાખતા કોર્ટે સુનાવણી દરમ્યાન ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ વ્યવસ્થાને અપારર્દશી બનાવી રાખવાને વળગી રહેવાનું નહી પણ એક સંતુલન કાયમ કરીને રેખાંકિત કરવાની જરૂર છે. આ મામલાને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ સીજેઆઈ ઓફિસને આરટીઆઈ હેઠળ જાહેર કરવા અને સૂચના આપવા માટે દિલ્હી હાઈકોર્ટ અને સીઆઈસીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટ અને સીઆઈસી એ કહ્યું હતું કે, મુખ્ય ન્યાયધીશની ઓફિસને પબ્લિક ઓથોરિટી માનવામાં આવે અને માહિતી મેળવવાનો કાયદો લાગૂ કરવામાં આવે.

ત્રીજો મહત્વનો નિર્ણય: સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રેવશ

કોર્ટે ગયા વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર લાગેલા પ્રતિબંધને જેન્ડર આધારિત ભેદભાવ ગણાવતા રદ કરી દીધો હતો. અહીં મહિલાઓ પર તેમના માસિક ધર્મને કારણે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. નિર્ણય 4-1ની બહુમતીથી થયો હતો. જસ્ટિસ ઈન્દૂ મલ્હોત્રાએ બહુમત સામે અસહમતિ દર્શાવી હતી. સુપ્રીમની બંધારણીય પીઠના આ નિર્ણયનો અયપ્પા અનુયાયી દ્વારા પૂરજોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે, મંદિરના ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે અને માસિક ધર્મવાળી મહિલાઓના પ્રવેશથી મંદિરની પ્રકૃતિ બદલાઈ જશે. નિર્ણય વિરુદ્ધ કુલ 55 પુનર્વિચાર અરજી સહિત કુલ 65 અરજીઓ કોર્ટમાં છે.

ચોથો મહત્વનો નિર્ણય: રાહુલ ગાંધીની માફી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હે’ નિવેદન પર તેમના વિરુદ્ધ પેન્ડિંગ અવમાનના કેસમાં તેમને માફી આપવા પર નિર્ણય આવવાનો છે. આ મામલે ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કોર્ટનો હવાલો આપતા ચોકીદાર ચોર હે નિવેદન બદલ કોંગ્રેસ અધ્યક્ષને માફી ન આપવાની અપીલ કરતા સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને સજા મળવી જોઈએ. જ્યારે બે વખત પસ્તાવો વ્યક્ત કર્યા પછી વગર શરતે માફી માગી ચૂકેલા રાહુલા ગાંધીએ કોર્ટ સમક્ષ માફી સ્વીકાર કરીને અવમાનના કેસને બંધ કરવાની અપીલ કરી હતી.

પાંચમો મહત્વનો નિર્ણય: રફાલ ડીલ પર પુનર્વિચાર

ચૂંટણી સમયે મોટો મુદ્દો બનેલ રફાલ લડાકૂ વિમાન ડીલ પર નિર્ણય આવશે. કોર્ટે 26 રફાલ વિમાનોની ખરીદીની ડીલની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગને નકારી હતી જેથી ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હા, અરુણ શૌરી સહિત અન્ય અરજીકર્તાઓ એ પુનર્વિચારણા અરજી દાખલ કરી છે. આ ઉપરાંત ટ્રિબ્યુનલ એન્ડ ફાઈનાન્સ એક્ટને પડકાર આપવા મામલે પણ ચૂકાદો આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]