મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ પાસે વિરારસ્થિત વિજય વલ્લભ હોસ્પિટલના કોવિડ સેન્ટરના ICUમાં આગ લાગવાથી 13 દર્દીનાં મોત થયાં છે. આ હોસ્પિટલમાં આગ રાત્રે લાગી હતી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્થાનિક વહીવટી તંત્ર સાથે વાત કરી હતી અને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગી, એ પછી દર્દીઓ મેડિકલ સ્ટાફ વચ્ચે હોબાળો થઈ ગયો હતો. હોસ્પિટલના CEO દિલીપ શાહે પત્રકારોને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આશરે 90 દર્દીઓ દાખલ હતા, જ્યારે આ ઘટના સમયે ICUમાં 15 દર્દી હતા. આ કોવિડ સેન્ટર બીજા માળે છે. આ આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટસર્કિટ હોવાનું જણાવવામાં આવ્યું છે.
મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન મોદીએ વિરારની કોવિડ -19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાબતે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને આ સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
The fire at a COVID-19 hospital in Virar is tragic. Condolences to those who lost their loved ones. May the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 23, 2021
આ હોસ્પિટલના ICUમાં બે નર્સ હતી. હોસ્પિટલના સીઇઓ દિલીપ શાહે દાવો કર્યો છે કે રાતે હોસ્પિટલમાં ડોક્ટર હતા.
મહારાષ્ટ્રના નાસિકમાં પણ બુધવારે સરકારી હોસ્પિટલમાં મોટી ઘટના બની હતી. અહીં નગર નિગમના ઝાકીર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન-ટેન્ક લીક થઈ ગઈ. એને રિપેર કરવામાં 30 મિનિટ જેટલો સમય લાગ્યો અને એટલીવાર ઓક્સિજન સપ્લાઈ રોકી દેવાયો હતો, જેને કારણે 24 દર્દીનાં મોત થયાં હતાં. જે સમયે ઓક્સિજન સપ્લાઈ રોકવામાં આવ્યો એ સમયે 171 દર્દી ઓક્સિજન પર અને 67 દર્દી વેન્ટિલેટર પર હતા.