નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ હવે ધીમે-ધીમે દુનિયાના કેટલાંય દેશોમાં પગપેસારો કરી ચૂકયું છે. થાઇલેન્ડ, નેપાળ, અમેરિકા, ફ્રાન્સ બાદ હવે ભારતમાં પણ આ બીમારીના શંકાસ્પદ દર્દીઓ મળ્યાના સમાચાર છે. મુંબઇ અને જયપુર બાદ હવે બિહારના છપરાથી કોરોના વાયરસના શંકાસ્પદની ખબર પડી છે. તેમાં કોરોના વાયરસ જેવા લક્ષણ મળ્યા છે. આ મહિલા દર્દીને પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH) મોકલાઇ છે. જોકે રાહતની વાત એ છે કે દેશમાં હજુ સુધી કોઇ પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.શંકાસ્પદ મહિલા દર્દી થોડાંક દિવસ પહેલાં જ ચીનથી પરત આવ્યા છે. મહિલામાં કોરોના વાયરસ જેવા લક્ષણ બાદ આનન-ફાનનમાં તેને છપરામાં તપાસ કરાવી, જ્યાં તેને PMCH રિફર કરી દેવાઇ. PMCHના સુપ્રિટેન્ડન્ટ વિમલ કરકે કહ્યું કે તાજેતરમાં ચીનથી પાછી આવેલી છોકરીમાં કોરોના વાયરસને મળતા લક્ષણ દેકાતા તેને છપરાની એક હોસ્પિટલના ICU દાખલ કરાઇ છે. PMCH આવ્યા બાદ છોકરીના લોહીના નમૂના તપાસ માટે પૂણે મોકલાશે અને ત્યારબાદ રિપોર્ટ અનુસાર તેની સારવાર થશે.
ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે અને દુનિયાના કેટલાંય હિસ્સાને તેણે પોતાની ઝપટમાં લેવાની કોશિષ કરી છે. રવિવારના રોજ જયપુરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી સામે આવ્યો છે. તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. કહેવાય છે કે કોરોના વાયરસથી પીડિત છોકરો ચીનમાં અભ્યાસ કરી રહ્યો છે. આ બીમારીના લક્ષણ મળ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જયપુરની એસએમએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડીએસ મીણાએ પુષ્ટિ કરી છે કે એક દર્દીને આઇસોલેશન વોર્ડમાં રખાયો છે. તેમણે કહ્યું કે તેનો સેમ્પલ ટેસ્ટ માટે મોકલાશે. હજુ કોરોના વાયરસના મામલાની પુષ્ટિ થઇ નથી. ત્યાં વિદેશ મંત્રાલયે રવિવારના રોજ કહ્યું કે હજુ સુધી ચીનમાં કોઇપણ ભારતીયને કોરોના વાયરસની અસર થઇ નથી. બેઇજીંગ સ્થિત દૂતાવાસ તમામ ભારતીયોની સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. વુહાન અને હબેઇ પ્રાંતથી પણ તમામ અપડેટ લેવામાં આવી રહ્યા છે.
ચીનમાં કોરોના વાયરસના પ્રકોપના લીધે મૃતકોની સંખ્યા વધીને 56 થઇ ગઇ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 1975 સુધી પહોંચી ગઇ છે.