નવી દિલ્હીઃ ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે. કૃષિ કાયદાઓને રદ કરવાની માગને સરકાર અને ખેડૂતો વચ્ચે મોટો ગજગ્રાહ ચાલી રહ્યો છે. સરકાર સાથે અનેક વાર મંત્રણા પછી પણ અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ નથી આવ્યું, પરંતુ હવે ખેડૂતોએ કાયદા રદ કરવાની માગ સાથે જીદે ચઢ્યા છે. હવે ખેડૂતો આંદોલનને ઉગ્ર બનાવશે. એના ભાગરૂપે દેશભરમાં બધા ટોલ નાકા બંધ કરવામાં આવશે. દિલ્હી-જયપુર હાઇવે અને દિલ્હી-આગરા હાઇવે પણ બંધ કરવામાં આવશે. જેથી હરિયાણા બોર્ડર છાવણીમાં તબદિલ થઈ ગયું છે. ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ પોલીસ અલર્ટ છે અને સુરક્ષા-વ્યવસ્થાનો પૂરતો બંદોબસ્ત છે.
ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ બલવીર એસ. રાજેવાલે કહ્યું હતું કે 12 ડિસેમ્બરે દિલ્હી-જયપુર હાઇવેને બંધ કરવામાં આવશે. 14 ડિસેમ્બરે દેશભરમાં ડીસી ઓફિસો, ભાજપના નેતાઓનાં ઘરો અને ઓફિસો, રિલાયન્સ-અદાણી ટોલ પ્લાઝા પર ધરણાં કરવામાં આવશે. ખેડૂતો રેલવે ટ્રેક પર પણ વિરોધ-પ્રદર્શન કરશે.
આશરે 30,000 લોકો દિલ્હી આવશે
નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન તેજ થઈ રહ્યું છે. ખેડૂતોનો એક મોટો જથ્થો પંજાબથી દિલ્હી આવવા રવાના થયો છે. સાત જિલ્લાના 1000 ગામોમાંથી 1500થી વધુ વાહન-જેમાં 1300 ટ્રેક્ટર-ટ્રોલીઓ સામેલ છે. આ જથ્થો આજે અથવા કાલે દિલ્હી પહોંચવાની વકી છે. ખેડૂત નેતાઓના અંદાજ મુજબ કારો, ટ્રેક્ટર-ટ્રોલીઓ ભરીને આશરે 30,000 પ્રદર્શનકારીઓ પંજાબથી દિલ્હી આવવા નીકળી ગયા છે. ખેડૂત નેતાઓ શનિવારે બધા ટોલ ફ્રી કરવાની તૈયારીમાં છે. યુવા ખેડૂતો પણ જુસ્સાથી આંદોલનને સમર્થન આપી રહ્યા છે.