ખેડૂતો ફરી દિલ્હી કૂચ કરવા તૈયાર

નવી દિલ્હીઃ ખેડૂતોએ ફરી એક વાર દિલ્હી કૂચની તૈયારી શરૂ કરી છે. હાઇકોર્ટે પાછલા દિવસોમાં શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો હતો, પણ ત્યાંથી પણ હરિયાણા સરકારને કોઈ રાહત નથી મળી. કોર્ટના આદેશ પછી પંજાબના સંગરુરમાં ખનૌરી બોર્ડર પર ખેડૂત નેતા જગજિત સિંહ ડલેવાલની આગેવાનીમાં બિનરાજકીય કિસાન મોચરાની બેઠક થવાની છે. આ બેઠકમાં ખેડૂતો દિલ્હી કૂચને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

ગયા સપ્તાહે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે શંભુ બોર્ડર ખોલવા હરિયાણા સરકારને આદેશ આપ્યો હતો, બાદમાં સુપ્રીમ કોર્ટે પણ હરિયાણા સરકારને અંબાલા નજીક શંભુ બોર્ડર પર બેરિકેડિંગ હટાવવા કહ્યું છે. ગઈ 13 ફેબ્રુઆરીમાં ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા રોકવા શંભુ બોર્ડર સીલ કરવામાં આવી હતી. હાઈવે બ્લોક કરવા અંગે સુપ્રીમ કોર્ટે પણ સવાલો ઉઠાવ્યા છે.પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતો ફેબ્રુઆરીથી પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) અને અન્ય માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે કોર્ટે એક સપ્તાહમાં શંભુ બોર્ડર ખોલવાના આદેશ આપ્યા બાદ ખેડૂત સંગઠનો સક્રિય થઇ ગયા છે. ખેડૂતો હવે દિલ્હી કૂચ કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. સંગરુરની ખનૌરી બોર્ડર પર ખેડૂતોની આ મહત્વપૂર્ણ બેઠકમાં દિલ્હી કૂચ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે 10 જુલાઈએ હરિયાણા સરકારને શંભુ બોર્ડર એક અઠવાડિયાની અંદર બેરિકેડ ખોલવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પંજાબ સરકારને એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો કે જો જરૂરી હોય તો તેમના વિસ્તારમાં એકઠા થયેલા દેખાવકારોને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે.