નવી દિલ્હીઃ દેશના આ પાટનગરની સરહદના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી આંદોલન પર બેઠેલાં ખેડૂતોએ આખરે એમનું આંદોલન સમાપ્ત કરી દીધું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શરૂ કરાવેલી દીર્ઘ વાટાઘાટો બાદ સરકારે ખેડૂતોની તમામ માગણીઓનો સ્વીકાર કરતાં ખેડૂતોએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ગયા વર્ષના નવેમ્બરથી આદરેલા આંદોલનનો અંત લાવી દીધો છે. સરકારે ખેડૂતો સામે આંદોલન સંબંધિત કરાયેલા તમામ કેસ પાછા ખેંચી લેવા અને આંદોલનના પરિણામે મૃત્યુ પામેલા ખેડૂતોનાં પરિવારજનોને આર્થિક વળતર ચૂકવવા સહિતની તમામ માગણીઓનો સ્વીકાર કરી લીધો છે.
આંદોલનની આગેવાની લેનાર ખેડૂતોના સંગઠનોની છત્ર સંસ્થા સંયુક્ત કિસાન મોરચાએ ગઈ કાલે રાતે જ જાહેરાત કરી હતી કે ખેડૂતોની માગણીઓનો સ્વીકાર કરતા સરકારના સુધારિત પ્રસ્તાવની ફાઈનલ કોપી મળી ગયા બાદ ગુરુવારે બપોરે 12 વાગ્યે તે 14-મહિના લાંબા આંદોલનનો અંત લાવી દેશે.