બિપિન રાવતના નામથી ચીન, પાકિસ્તાન થર-થર કાંપતા

નવી દિલ્હીઃ ગઈ કાલે દેશના બહાદુર ચીફ ઓફ ડિફેન્સ (CDS) જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું, જેના શોકમાં હાલ દેશ ડૂબેલો છે.આ ક્રેશમાં તેમનાં પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયું છે. એ સાથે હેલિકોપ્ટરમાં અન્ય 11 જવાનોનાં પણ મોત થયાં છે. જોકે બિપિન રાવતનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ચીન અને પાકિસ્તાન તો તેમનાં નામથી કાંપતા હતા.

ઉત્તરાખંડના પૌઢી ગઢવાલ જિલ્લાના એક નાના ગામમાં જન્મેલા બિપિન રાવતના નામ માત્રથી ડ્રેગન થર-થર કાંપતું હતું. એક મહિના પહેલાં તેમના એક નિવેદનથી ચીનની હાલત ખરાબ થઈ હતી. તેમણે કહ્યું હતું કે ભારતની સુરક્ષા માચે ચીન સૌથી મોટું જોખમ બની ચૂક્યું છે. તેમના નિવેદનથી ચીન બરાબરનું અકળાયું હતું.

15 એપ્રિલ,2021એ પણ રાયસિના ડાયલોગ દરમ્યાન તેમણે ચીનને જબરો આંચકો આપ્યો હતો.  રાયસીના ડાયલોગ દરમ્યાન તેમણે કહ્યું હતું કે ચીન ઇચ્છે છે કે મારા સિવાય કોઈનું અહીં ચાલવું ન જોઈએ, પણ ભારત ચીન સામે અડગ રીતે ઊભું છે. તેઓ કોઈ પણ પ્રકારના દબાણ બનાવીને અમને પાછળ ના ધકેલી શકે.

સર્જિકલ સ્ટ્રાઇકની પાછળ મૂળ મગજ માત્ર બિપિન રાવતનું માનવામાં આવે છે. એક જાન્યુઆરી, 2017એ મોદી સરકારે તેમને ભારતીય ભૂમિ સેનાની બાગડોર થલ સેનાધ્યક્ષ તરીકે સોંપી હતી. જે પછી તેમને 31 ડિસેમ્બર, 2019એ નિવૃત્ત થયા પછી તેમને દેશના પહેલા CDS બનાવવામાં આવ્યા હતા. ભારતના ઉરીમાં પાકિસ્તાને આતંકવાદી હુમલો કરીને બહુ મોટી ભૂલ કરી હતી, જેની કિંમત તેમણે ચૂકવવી પડી હતી. એ બિપિન રાવત જ હતા – જેમણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને એક-એક પાકિસ્તાની આતંકવાદીઓને માર્યા હતા.