ખેડૂતોપ્રેરિત આજે ભારત-બંધઃ સુરક્ષા વિશે કેન્દ્રની રાજ્યોને સૂચના

નવી દિલ્હીઃ હજારો ખેડૂતો, જેમાં મોટા ભાગના પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના છે, તેમણે નવા કૃષિ કાયદાઓને રદ કરવામાં આવે એવી માગણી સાથે આજે ભારત બંધની હાકલ કરી છે. ભારતીય કિસાન યૂનિયન (બીકેયૂ)એ ભારપૂર્વક જણાવ્યું છે કે આજનું દેશવ્યાપી આંદોલન સવારે 11 વાગ્યે શરૂ થશે બપોરે 3 વાગ્યે સમાપ્ત કરી દેવામાં આવશે, કારણ કે તેઓ જાહેર જનતાને અગવડ પડે એવું ઈચ્છતા નથી.

બીકેયૂના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે બંધના કલાકો દરમિયાન આવશ્યક સેવાઓને કોઈ અસર પહોંચાડવામાં નહીં આવે અને કામ પર જતા લોકો પણ મુક્તપણે આવ-જા કરી શકશે. તે છતાં ભારત બંધના ભાગરૂપે તેઓ રાષ્ટ્રીય પાટનગરમાં મુખ્ય માર્ગો પર ટ્રાફિક રોકશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં શાકમાર્કેટો બંધ રહેશે, ઓલા-ઉબેર ટેક્સી સેવાઓ બંધ રહેશે, શાળા-કોલેજો બંધ રહેશે, બપોરે 3 વાગ્યા સુધી પેટ્રોલ-પમ્પ બંધ રહેશે, ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ રહેશે, તાકીદની સેવાઓ ચાલુ રહેશે, રીટેલ માર્કેટ-દુકાનો ખુલ્લી રહેશે, રેલવે સેવા ચાલુ રહેશે.

દરમિયાન, કેન્દ્ર સરકારે રાજ્યોની સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને સૂચના આપી છે કે તેઓ એમના સંબંધિત પ્રદેશોમાં સલામતીનો બંદોબસ્ત કડક રાખે અને સાથોસાથ શાંતિ અને એખલાસ જાળવે. સરકારો તે પણ ખાસ ધ્યાન રાખે કે આરોગ્ય અને સોશિયલ ડિસ્ટન્સિંગના સંદર્ભમાં કોવિડ-19ને લગતી માર્ગદર્શિકાઓનું પણ કડક રીતે પાલન કરવામાં આવે.