‘ભારત બંધ’ શાંતિપૂર્ણ રહેશે, ચક્કા-જામ ચાર-કલાકનું રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં 12 દિવસથી દિલ્હી-હરિયાણાના સીમા વિસ્તારોમાં વિરોધ-દેખાવો કરી રહેલા ખેડૂતોનું આંદોલન આવતીકાલે વ્યાપક સ્વરૂપ ધારણ કરશે. એમની હાકલ મુજબ અને ટ્રેડ યુનિયનો તથા વિરોધ પક્ષોના સમર્થન હેઠળ આવતીકાલે ‘ભારત બંધ’ યોજાશે, તે શાંતિપૂર્ણ રહેશે એમ ખેડૂતોના આગેવાનોએ કહ્યું છે. આ દેશવ્યાપી બંધ આમ તો આખા દિવસનું રહેશે, પણ ચક્કા-જામ (રસ્તા-રોકો) આંદોલન સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધીનું રહેશે. વિરોધ-દેખાવોને કારણે ફળ તથા પાણી સપ્લાય સહિત અમુક સેવાઓને અસર પડે એવી શક્યતા રહેશે. ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચેની વાટાઘાટનો નવો દોર 9 ડિસેમ્બરે યોજાવાનો છે.

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તમામ બજારો બંધ રહેશે. આ રાજ્યોમાં સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ચક્કા-જામ કરાશે. ટ્રાફિક ખોરવાશે. બસ અને ટ્રેનના પ્રવાસીઓને તકલીફ પડી શકે છે. દૂધ, ફળ અને શાકભાજી જેવી ચીજવસ્તુઓની સપ્લાય અટકશે. જોકે એમ્બ્યુલન્સ તથા તાકીદની સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. હોસ્પિટલો પણ ખુલ્લી રહેશે, લગ્ન સમારંભો પર કોઈ અસર પડવા દેવામાં નહીં આવે.

ખેડૂત નેતા ડો. દર્શન પાલે પત્રકારોને કહ્યું કે, આવતીકાલે બંધ દરમિયાન એક પણ રાજકીય નેતાને સ્ટેજ પર ચડવા દેવામાં નહીં આવે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આમ જનતાને તકલીફ ન થાય એટલા માટે કિસાન સંઘ ચક્કા-જામ બપોરે 3 વાગ્યા સુધી જ રાખશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]