મુંબઈઃ ગુજરાતી ભાષાના ગીત – સંગીતનાં શિરમોર ગાયિકા, ગુજરાતનાં ‘કોકીલ કંઠી’ તરીકે પ્રખ્યાત કૌમુદીબેન મુનશીનું મુંબઈમાં નિધન થયું છે. એ 93 વર્ષનાં હતાં. ગઈ કાલે મધરાત બાદ લગભગ બે વાગ્યે એમણે આખરી શ્વાસ લીધો હતો.
કૌમુદીબેને એમનાં સ્વર વડે ગુજરાતી સુગમ-ભક્તિ સંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું. એમણે ઠુમરી, ગઝલ વગેરે માટે જાણીતાં ભારતીય શાસ્ત્રીય ગાયિકા સિદ્ધેશ્વરી દેવી પાસેથી તાલીમ મેળવી હતી. ઠુમરી ગાવામાં નિપુણતા પ્રાપ્ત કરનાર કૌમુદીબેન બહુ જૂજ ગુજરાતી ગાયકોમાંના એક હતાં.
કૌમુદીબહેન મુનશી જાણીતાં સંગીતકાર, ગીતકાર સ્વ. નીનૂ મઝુમદારના પત્ની હતાં અને ગાયક ઉદય મઝુમદારના માતા હતાં.
1929ની 3 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના બનારસમાં જન્મેલાં કૌમુદીબેને ગુજરાતી ભાષામાં ગાયેલાં ભજન અને ગરબા એટલાં જ લોકપ્રિય થયાં છે.
એમણે પોતાની કારકિર્દી હિન્દી અને રાજસ્થાની ગીતો ગાઈને કરી હતી. 21 વર્ષની વયે મુંબઈમાં સ્થાયી થયાં બાદ એમણે ઓલ ઈન્ડિયા રેડિયો પર ગુજરાતી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.
મૂળ ગુજરાતના વડનગરનાં હતાં, પણ એમનાં જન્મના અનેક દાયકાઓ પૂર્વે એમનાં પૂર્વજ બનારસમાં સ્થાયી થયા હતા. તેથી કૌમુદીબેન હિન્દીભાષામાં નિપુણ બન્યાં હતાં.
એમનાં માતા અનુબેન જાણીતા ગુજરાતી સાહિત્યકાર રમણલાલ દેસાઈનાં બહેન હતાં.
પારિવારિક મિત્ર નીનુ મઝુમદાર સાથે 1954માં કૌમુદી મુનશીનાં લગ્ન થયાં હતાં.
કૌમુદીબેને ગાયેલાં અમુક ખૂબ જાણીતા ગીતો, ભજન, ગરબા છેઃ
કિને કાંકરી મોહે મારી રે, ચોર્યાસી રંગનો સાથિયો, ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ, હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું, તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ.
દંતકથાસમાન શાસ્ત્રીય ગાયિકા કૌમુદીબેનનાં નિધનના સમાચાર જાણ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વીટ કરીને એમને શબ્દાંજલિ અર્પણ કરી છે.
ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે.. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના..ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
— Narendra Modi (@narendramodi) October 13, 2020
કૌમુદીબહેનને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વીટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એમણે દુ:ખ સાથે શોકની લાગણી વ્યકત કરી છે.
શ્રદ્ધાંજલિ આપતા રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતી સુગમ સંગીતના શિરમૌર ગાયિકા કૌમુદીબહેને પોતાનાં મધૂર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલિન બની રહેશે.
રૂપાણીએ સ્વ. કૌમુદીબહેનના આત્માને પરમશાંતિની પ્રાર્થના સાથે સદ્દગતના પરિવારજનોને આ દુ:ખ સહન કરવા ઇશ્વર શકિત આપે તેવી પ્રાર્થના પણ કરી છે.
ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને ચિર શાંતિ બક્ષે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
ૐ શાંતિ…— Vijay Rupani (@vijayrupanibjp) October 13, 2020