ભારતીય શાસ્ત્રીય સંગીત-વાદ્યોની નિકાસ સાડા-ત્રણ ગણી વધી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં આજે એક મહત્ત્વની જાણકારી આપી. એમણે કહ્યું કે, વિદેશમાં ભારતીય શાસ્ત્રીય સંગીત તથા સંગીતના વાદ્યોનો પ્રેમ વધી રહ્યો છે. ભારતીય શાસ્ત્રીય સંગીત વાદ્યોની નિકાસમાં વધારો થયો છે. અમેરિકા અને બ્રિટન જેવા વિકસીત દેશો આ વાદ્યોના સૌથી મોટા ખરીદદારો છે. પીએમ મોદીનો આજનો ‘મન કી બાત કાર્યક્રમ’ 95મી આવૃત્તિનો હતો.

મોદીએ કહ્યું કે ગયા વર્ષથી ભારતીય સંગીત સાધનોની નિકાસ સાડા ત્રણ ગણી વધી છે. આ બતાવે છે કે દુનિયાના દેશોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રસ પડ્યો છે. ભારતીય ઈલેક્ટ્રિકલ સંગીત સાધનોની નિકાસ 60 ગણી વધી ગઈ છે. આ બતાવે છે કે દુનિયાના દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને સંગીત માટેનો પ્રેમ વધી રહ્યો છે. અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, જાપાન ભારતીય વાદ્યોના સૌથી મોટા ખરીદદાર દેશો છે.