દુનિયાભરના 50-કરોડ વોટ્સએપ-યૂઝર્સનો ડેટા ચોરાઈ ગયાની આશંકા

મુંબઈઃ સાઈબરન્યૂઝ નામના એક જાગતિક નિષ્પક્ષ સાઈબર સુરક્ષા સંશોધન પ્રકાશનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સહિત દુનિયાના 84 દેશોના લગભગ અડધા અબજ જેટલા વોટ્સએપ યૂઝર્સનો ડેટા ચોરાઈ જવાની અને ઓનલાઈન પર વેચાણ માટે મૂકી દેવામાં આવે એવી સંભાવના છે.

48 કરોડ 70 લાખ વોટ્સએપ યૂઝર્સનો અપ-ટુ-ડેટ ડેટાબેઝ વેચાણમાં મૂક્યાનો દાવો કરતી એક પોસ્ટ એક કુખ્યાત હેકિંગ સમુદાય જૂથે મૂક્યા બાદ સાઈબરન્યૂઝે એ વિશે તપાસ હાથ ધરી હતી. એમાં તેને માલૂમ પડ્યું છે કે પેલા હેકિંગ જૂથનો દાવો સાચો હોય એવું લાગે છે. મતલબ કે, દુનિયાભરના કુલ બે અબજ જેટલા માસિક સક્રિય વોટ્સએપ યૂઝર્સના 25 ટકા જેટલા લોકોનો ડેટા જોખમાઈ શકે છે. યૂઝર્સના લીક કરાયેલા ફોન નંબરનો ઉપયોગ માર્કેટિંગ અને ફિશિંગ (ઠગી) કંપનીઓ અનેક પ્રકારના કારણોસર ઉપયોગ કરે એવી સંભાવના છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સૌથી વધુ અમેરિકામાં વોટ્સએપ યૂઝર્સનાં રેકોર્ડ્સ લીક કરવામાં આવ્યા છે – 30 કરોડ 20 લાખથી વધારે. તે પછીના નંબરે આવે છે બ્રિટન (10 કરોડ 1 લાખ), ઈજિપ્ત (4 કરોડ 50 લાખ), ઈટાલી (3 કરોડ 50 લાખ), સાઉદી અરેબિયા (2 કરોડ 90 લાખ), ફ્રાન્સ (બે કરોડ), તૂર્કી (બે કરોડ), રશિયા (1 કરોડ). ભારતમાં 60 લાખથી વધારે વોટ્સએપ યૂઝર્સના ડેટા ચોરાઈ ગયા હોવાની સંભાવના છે.